________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫. રાજગૃહી મગધની રાજધાની રાજગૃહી એ કાળે સ્વર્ગની અલકાપુરીનું સ્મરણ કરાવતી હતી. મગધસમ્રાટ યશોધરે રાજગૃહીની ભૌતિક ઉન્નતિ કરવામાં કંઈ મણા રાખી ન હતી. ભવ્ય પ્રાસાદો, રમણીય ઉદ્યાનો, મનમોહક કીડા-ગૃહો, આરસજડિત રાજમાર્ગો, કલાત્મક પ્રવેશદ્વાર અને કોતરણીયુક્ત તોરણોથી રાજગૃહી હજારો પરદેશીઓને આકર્ષી રહી હતી.
રાજગૃહીના સેંકડો કોટટ્યાધિપતિ સાર્થવાહની ગગનચુંબી હવેલીઓ ઉપર ફરફરતી ધજાઓ મગધની સંપત્તિનું ભાન કરાવતી હતી. રાજમાર્ગો પર દોડી રહેલા હજારો સ્વર્ણમય, રજતમય અને પંચધાતુમય રથો મગધની આબાદીનું ભાન કરાવતા હતા.
રાત્રિનો પ્રારંભ થતાં નગરવધૂઓના ધવલપ્રાસાદો વણા અને મૃદંગોથી જીવંત બની જતા હતા. રાજગૃહીના સાર્થવાહ-પુત્રો મૂલ્યવંત વસ્ત્રાલંકારોમાં સજ્જ થઈ એ ધવલપ્રાસાદોમાં પ્રવેશ કરતા, સુરા-સુંદરી અને સંગીતના સ્વર્ગલોકમાં પોતાના ધનયૌવનને સફળ કરતા.
મગધ-સમ્રાટે રાજગૃહીની રક્ષા માટે પણ અપૂર્વ બુદ્ધિકૌશલ વાપર્યું હતું. ચારે કોર પથ્થરોનો મજબૂત કિલ્લો બનાવ્યો હતો. એક સાથે ત્રણ રથો પસાર થઈ શકે તેટલો વિશાળ કિલ્લો હતો. તેમાં યાંત્રિક રચનાઓ પણ કરવામાં આવી હતી. કિલ્લાની બહાર ચારે કોર ઊંડી ખાઈ ખોદવામાં આવી હતી અને તે પાણીથી ભરેલી રહેતી. કિલ્લાનાં ગુપ્ત દ્વારા આ જલખાઈમાં પડતાં હતાં. જલખાઈ ઉપર આઠ સ્થાનોએ મજબૂત પલ બાંધવામાં આવ્યા હતા. એ રીતે બાંધવામાં આવ્યા હતા કે જ્યારે એ પુલોને ઉઠાવી લેવા હોય ત્યારે સરળતાથી ઉઠાવી લેવાય.
કિલ્લાનાં આઠ દ્વારા લોકમય અને યાંત્રિક રચનાથી બનાવાયેલાં હતાં. માગધ સૈનિકો નિરંતર ધારો પર રક્ષા કરતા ખડા રહેતા. રાત્રિ સમયે કિલ્લા પર એક હજાર માગધ-સુભટો સતર્કતાથી નગરનું રક્ષણ કરતા ફરતા રહેતા.
મગધ સામ્રાજ્યનું સંરક્ષણ કરવા માટે મગધ સમ્રાટે સંગીન વ્યવસ્થા કરી હતી. મગધ સૈન્યનો સેનાપતિ સુગુપ્ત એ વ્યવસ્થાને જાળવતો હતો. મગધના મહામાત્ય મણિરત્નની બુદ્ધિપ્રતિભા નીચે મગધ સામ્રાજ્ય સુખોન્મત્ત બનેલું હતું.
For Private And Personal Use Only