________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન રામાયણ
૪૨૯
સમ્રાટ યશોધરે નગરમાં યુદ્ધની ભેરી વગડાવી દીધી. અયોધ્યાના મહામાત્ય શ્રીર્ષણના કારાવાસ પર સખત પહેરો ગોઠવી દેવામાં આવ્યો.
રાત્રિનો ગાઢ અંધકાર રાજગૃહીમાં છવાયેલો હતો, છતાં રોજની જેમ આજે રાજગૃહીનાં વિલાસગૃહોમાં દીપકમાલાઓ અને નૃત્યના ઝમકાર સંભળાતા ન હતા. આજે તો હાથીઓના હૈષારવ અને અશ્વોના હણહણાટ સંભળાતા હતા. ખડગોના ખડખડાટ અને ધનુષ્યના ટંકાર શ્રવણગોચર થતા હતા.
રાજગૃહનાં દ્વારો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. કિલ્લા પર વીસ હજાર મગધ-સુભટો પૂરી સાવધાનીથી શત્રુઓની પ્રતીક્ષા કરી રહ્યા હતા. કિલ્લાની બહાર અપાર જલથી ભરેલી વિશાળ ખાઈ પરથી પુલોને ઉઠાવી લેવામાં આવ્યા હતા. ખાઈની આ બાજુ મહામાત્ય મણિરત્ન દસ હજાર અશ્વારોહીઓ સાથે પૂર્વ દિશામાં પડાવ નાંખીને રહ્યા હતા. પાંચ હજાર રથપતિનું સૈન્ય પણ ખાઈના કિનારે જ ખડું હતું.
બીજી બાજુ મિથિલાના મહામાત્ય સોમપ્રભ પાંચ હજાર સુભટો સાથે, રાત્રિની નીરવ શાંતિનો ભંગ ન થાય તે રીતે રાજગૃહી તરફ આવી રહ્યા હતા. તેમનું પ્રયાણ પશ્ચિમ દિશા તરફ હતું. રાત્રિના બીજા પ્રહરના પ્રારંભે તો તેઓ પોતાના નિયત સ્થાને પહોંચી ગયા. પહોંચતાંની સાથે જ તેમની સામે કદાવર, ભવ્ય, પ્રતિભાશાળી, હાથમાં માત્ર એક લાંબી ચમકતી ખુલ્લી તલવાર સાથે એક મનુષ્યાકૃતિ આવી ઊભી. તેણે પ્રશ્ન કર્યો:
‘આપ મહામાત્ય સોમપ્રભ?’
સોમપ્રભ સાવધાન થઈ ગયા. તેમણે પોતાના મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી. પેલી આકૃતિ ખડખડાટ હસી પડી.
‘સારું કર્યું. એ ખુલ્લી તલવાર સાથે આપે મારી સાથે ચાલવાનું છે.’
‘તમે કોણ છો?’ સોમપ્રભ રોષ અને શંકાથી આગળ ધસ્યા. પ્રત્યુત્તરમાં પુનઃ ખડખડાટ હાસ્ય! અને જવાબ મળ્યો:
‘વીરદેવ!’
‘ઓહ..'
સોમદેવ વીરદેવને ભેટી પડ્યા.
‘કહો, શી આજ્ઞા છે?’ સોમપ્રભે મજાક કરતાં પૂછ્યું.
For Private And Personal Use Only