________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- 38. સોદાસનું પતન - સોદાસ દિનપ્રતિદિન રસલોલુપી બનતો ચાલ્યો. આનંદ એની રસલોલુપતા પુષ્ટ કરતો રહ્યો.
બીજી બાજુ અયોધ્યાના કુસુમોઘાનમાં શીલસુંદર મહામુનિ વિશાળ મુનિવૃન્દ સાથે પધાર્યા. વનપાલકે મહારાજા નઘુષને વધામણી આપી. મહારાજા નિત્યકર્મોથી પરવારી, સિંહિકાદિ પરિવારની સાથે કુસુમોદ્યાનમાં પહોંચ્યા. મહામુનિનાં પાવન દર્શન કરી રાજ્ય પરિવાર કૃતાર્થ થયો. મહારાજા નઘુષ અને મહારાણી સિંહિકા આવા મહાત્માની જ જાણે રાહ ન જોઈ રહ્યાં હોય! મહાત્માનાં દર્શન કરતાં જ તેમણે શીલસુંદર મહામુનિને વિનીત ભાવે પ્રાર્થના કરી:
“કૃપાનાથ! આપશ્રીનાં પાવન દર્શનથી અમારી સંસારવાસના નાશ પામી છે અને તરણતારણ ચારિત્રમાર્ગ સ્વીકારવાનો શુભ મનોરથ પ્રગટ થયો છે, તો અમને એ પરમ પવિત્ર ચારિત્રજીવનનું દાન કરવા કૃપા કરો.'
રાજન, તમારા મનોરથ સુંદર છે. શુભ કાર્યમાં વિલંબ કરવો ન ઘટે.” મહામુનિએ મહારાજાના મનોરથને સુદઢ કર્યો.
દયાનિધિ, રાજ્યસિંહાસને પુત્રનો રાજ્યાભિષેક કરી, વિના વિલંબે અમે આપનાં ચરણોમાં આવીએ છીએ. ત્યાં સુધી આપ અત્રે બિરાજમાન રહેવા કૃપા કરો, તેવી અમારી પ્રાર્થના છે.'
મહારાજા પરિવાર સહિત રાજમહેલમાં પહોંચ્યા. મહામંત્રીને બોલાવી સોદાસનો રાજ્યાભિષેક કરવા માટે આજ્ઞા કરી. સોદાસને પણ ખબર પડી કે માતાજી અને પિતાજી સંસારનો ત્યાગ કરી સંયમને માર્ગે જઈ રહ્યાં છે. તેના દિલમાં દુ:ખ થયું. તેના હૃદયમાં સિંહિકા પ્રત્યે ગાઢ સ્નેહ હતો. પરંતુ તે ભગવાન ઋષભદેવના કુળની પરંપરા જાણતો હતો. તેણે માતાના માર્ગમાં વિઘ્ન ન નાખ્યું, તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, પરંતુ અશુભ મુહૂર્ત! ઉતાવળમાં મુહૂર્ત જોવામાં પુરોહિતે ગોટાળો કરી નાંખ્યો.
સોદાસનો રાજ્યાભિષેક કરી રાજા-રાણીએ મહામુનિ પાસે જઈ ચારિત્ર અંગીકાર કરી લીધું. મહામુનિએ રાજા-રાણીને ચારિત્ર આપી, ત્યાંથી વિહાર કર્યો.
સોદાસ અયોધ્યાના મહાન રાજ્યનો સ્વામી બન્યો. પરમમિત્ર આનંદને તે પોતાની પાસે જ રાખતો. આનંદને પણ હવે રસલોલુપતાને પોષવાની સુંદર તક મળી ગઈ. તેણે રસોઈયાને સાધ્યો, તેની પાસે અનેક અભક્ષ્ય પદાર્થોની વાનગીઓ તૈયાર કરાવવા લાગ્યો. સૌદાસને પણ એનો ચટકો લાગી ગયો.
For Private And Personal Use Only