________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષયોપશમ સમકિત મેળવ્યા પછી જીવ જ્યારે ક્ષાયિક સમકિત મેળવવા માટે પુરુષાર્થ કરે છે ત્યારે તેને વિશેષ પ્રક્રિયા કરવાની રહે છે. ક્ષાયિક સમકિત મેળવવા માટે અનંતાનુબંધી કષાયની ચોકડી અને મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય કરવો પડતો હોવાથી જીવને સમર્થ સદ્ગુરુની બળવાન સહાયની જરૂર પડે છે. સાથે સાથે તેણે પોતાના પુરુષાર્થને પણ એટલો જ બળવાન કરવો પડે છે. આ બંનેમાંથી એક તત્ત્વ પણ નબળું હોય તો ક્ષાયિક સમકિત લેવું ખૂબ કઠણ થઈ જાય છે. આ કઠણાઈને લક્ષમાં રાખીને, સમર્થ ગુરુ તથા સમર્થ શિષ્યની દુર્લભતાના કાળમાં, આ કાળે ક્ષાયિક સમકિત નથી એવા વિધાનો પણ કેટલાક આચાર્યોએ કરેલાં જણાય છે.
ક્ષાયિક સમકિત થતાં જીવનાં અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય થાય છે, ત્યારથી તેને સાચો પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા મળે છે. તે પુરુષાર્થ આગળ વધી, ક્ષપક શ્રેણિમાં સર્વ ઘાતકર્મોના પૂર્ણ ક્ષયમાં પરિણમે છે. આમ સર્વક્ષયની પ્રક્રિયાના હિસાબે ક્ષાયિક સમકિત અને ક્ષપકશ્રેણિની ગુણશ્રેણિમાં સામ્ય રહેલું છે. ક્ષાયિક સમકિત સદ્ગુરુની આજ્ઞાવર્તુળમાં રહીને થાય છે અને ક્ષપક શ્રેણિ પંચપરમેષ્ટિ ભગવંતનાં આજ્ઞાવર્તુળમાં રહીને થાય છે. તે બંને પ્રક્રિયામાં સમર્થ માર્ગદર્શકની બળવાન જરૂરત રહેલી છે.
જીવને ક્ષયોપશમ સમકિત થતાં સૌથી ઉપરના ભાગમાં રહેલ દર્શનમોહ અને ચારિત્રમોહનાં પરમાણુઓથી બનેલું પડ ઘણું ખરું ક્ષીણ થઈ જાય છે, અને જે ભાગ બચ્યો હોય છે તે, સમકિતની પ્રાપ્તિથી મળતા પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞા કવચ'ના પ્રભાવથી દબાઈને કર્મનાં પુગલ પરમાણુઓના થરની વચ્ચે થઈને જ્યાં આત્મપ્રદેશ પર મિથ્યાત્વરસ રહેલો હતો તેમાં ભળી જાય છે. એટલે કે આત્મપ્રદેશ અને અન્ય કર્મપરમાણુઓના થરની વચ્ચે દર્શનમોહ અને ચારિત્રમોહનું મિશ્રણ રચાય છે. જ્યાં સુધી કવચ અખંડ રહે છે ત્યાં સુધી દબાયેલ મિથ્યાત્વ કે અનંતાનુબંધી કષાય જરાયા જોર કરી શકતા નથી.
તે સ્થિતિનો લાભ લઈ જીવ ક્ષાયિક સમકિત લેતાં પહેલાં સદ્ગુરુની આજ્ઞાએ ચાલી બંને પ્રકારના મોહને છૂટા પાડે છે.
૨૦