________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
પરિણામે જીવમાં પ્રાથમિક અવસ્થાનાં સારાનરસાપણાના ભાવ ઊઠવા માંડે છે. તેનાં ફળરૂપે જીવ કષાયનાં કારણે સકામપણે કર્મ વેદવા તથા બાંધવા લાગે છે. પાંચમી ઇન્દ્રિય પ્રગટવા સાથે મોટાભાગે સંજ્ઞા ઉત્પન્ન થાય છે. જો ન થાય તો તે જીવ નાના આયુષ્ય અંતમુહૂર્તમાં જ જીવન પૂરું કરે છે. આ બધું વિચારતાં સમજાય છે કે કષાય એ મિથ્યાત્વનું સૂક્ષ્મ સ્વરૂપ છે. જીવ કષાયને સંજ્ઞાના મધ્યમ ઉપયોગથી જ સકામપણે વેદી શકે છે, તેથી જીવ ચાર ઇન્દ્રિય મળતાં સંજ્ઞાનો મધ્યમ ઉપયોગ શરૂ કરે છે. આ મધ્યમ ઉપયોગ દ્વારા જીવ કર્મનાં ચાર કારણોથી કર્મબંધ કરે છે. પણ બીજી બાજુ તે જીવ પાંચ ઇન્દ્રિય અને મધ્યમ સંજ્ઞાથી પુરુષનાં શુભ નિમિત્તને ઓળખી શકે છે. આમ કર્યાશ્રવનાં કારણો વધવા સાથે જીવને માટે કર્મની નિર્જરા કરવાનાં સાધનો પણ વધે છે. શુભ નિમિત્તને પામી જીવ આગળ વધી સંજ્ઞાને યોગ્ય માત્રામાં ખીલવે છે. સાથે સાથે જીવ કન્દ્રિય તથા સંજ્ઞાનાં સાધનથી સત્યાસત્યની પરખ પણ કરતો થાય છે. આમ જીવ પાંચ ઇન્દ્રિય અને સંજ્ઞાની પૂર્ણતા થતાં સુધી વિકાસ કરે છે. પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિથી જીવ પરિગ્રહ, અબહ્મ, ચોરી અને સત્યાસત્યનો અનુભવ કરે છે, તેનું પૃથક્કરણ થતાં સંજ્ઞા પૂર્ણતાએ ખીલતી જાય છે. તે થવાથી તેની શક્તિ પણ વધતી જાય છે અને ભયસ્થાનો પણ વધતાં જાય છે.
સંજ્ઞા એ પાંચે ઇન્દ્રિયોને તેજસ્વી બનાવતી શક્તિ છે, તેના ઉપયોગ સાથે ત્રણે યોગનો ઉપયોગ પણ શરૂ થાય છે. સંજ્ઞા પાંચ ઇન્દ્રિયોને એકત્રિત કરી જીવને ભાવ, પદાર્થ, તથા પુદ્ગલની વધારે જાણકારી આપે છે. સંજ્ઞા જીવને પંચાસ્તિકાય તથા છ દ્રવ્યની પણ જાણકારી આપે છે. સંજ્ઞાના કારણે જીવ કર્મબંધનનાં પાંચે કારણોનો ઉપયોગ કરી કર્મ બાંધવા માટે શક્તિશાળી થાય છે. આ બધા ઉપરાંત, સંજ્ઞાને લીધે જીવમાં બીજી એક અપૂર્વ વિશેષતા આવે છે. આ સંજ્ઞાને લીધે, જીવ સારા કે નરસા ભાવ પ્રત્યક્ષપણે તેમજ પરોક્ષપણે કરી શકે છે. સંજ્ઞા મળતાં પહેલાં જીવ માત્ર નિમિત્તને જ આધીન રહી ભાવ કરી શકતો હોય છે, અને નિમિત્ત દૂર થતાં જ અલ્પકાળમાં તેનો તે ભાવ વિલીન થઈ જતો હોય છે. એટલે કે તે માત્ર પરોક્ષ રીતે જ ભાવ કરી શકવાની શક્તિ ધરાવતો હોય છે.
૨૦૧