________________
કેવળી પ્રભુનો સાથ
શ્રીમદ્ રાજચંદ્રે પરમ કૃપા કરી, પરમ કલ્યાણરૂપી ભક્તિરસને આજ્ઞારસથી નીતરતી એવી આત્મસિદ્ધિમાં અતિ ગુપ્તપણે કર્મસિદ્ધાંત અને જીવનો અસંશી તથા સંજ્ઞીપણાનો પ્રગતિમાર્ગ સમાવ્યો છે.
જીવ અસંજ્ઞી હોય છે ત્યારે તે પ્રત્યક્ષ સત્પુરુષના શુભ ભાવના આધારે પરોક્ષપણે શુભભાવ ક૨ી પોતાનાં શક્તિ અને ગતિ વધારે છે. એમાં અસંજ્ઞી જીવને મુખ્યતાએ અંતરાયકર્મ ઉદયમાં હોય છે, અને મોહાદિ અન્ય ઘાતિકર્મો પરોક્ષરૂપે ઉદયમાં હોય છે. સત્પુરુષના શુભભાવના સંપર્કથી જીવની અંતરાય તૂટે છે; અને જીવ મોહાદિ ઘાતિકર્મોને દબાવી શુભ પરિણતિમાં જઈ શકે છે. અંતરાય કર્મ એ મોહાદિ સર્વ ઘાતિકર્મોનો સારથિ છે. અસંશીપણામાં આ કર્મ તોડવાનો પુરુષાર્થ શ્રી સત્પુરુષના સાથથી થાય છે. અંતરાય કર્મનો ક્ષય કરી જીવ પરોક્ષપણે અન્ય ઘાતિકર્મ અને અશુભ એવા અઘાતિકર્મોને ઉપશમાવતો જાય છે; અને પોતાની યોગની શક્તિને ઉત્તરોત્તર ખીલવતો જાય છે. સાથે સાથે પોતાનાં વીર્યને દબાવનારા નિમિત્તોનો ક્ષય કરતો જાય છે. આ સર્વ નિર્જરા જીવ અકામપણે કરે છે. સકામપણે નિર્જરા કરવાની શક્તિ તો જીવમાં માત્ર સંશીપણામાં જ પ્રાપ્ત થાય છે. જીવ જેમ સકામ નિર્જરા અસંજ્ઞીપણામાં કરી શકતો નથી, તેમ જ તે જીવ સકામ આશ્રવ પણ અસંજ્ઞીપણામાં નથી કરી શકતો. આ કારણથી જીવનો મોહ અસંશીપણામાં સુષુપ્ત રહે છે. તે જ્યારે સંજ્ઞા પામે છે ત્યારે જ તે જીવ પરોક્ષ તથા પ્રત્યક્ષ પુરુષાર્થ કરવાની શક્તિ મેળવે છે.
જીવ જો સવળો ચાલે તો તે સકામ નિર્જરા અને સકામ સંવર કરે છે, અને જો તે અવળો ચાલે તો અકામ આશ્રવ કરે છે. સંજ્ઞા આવતાં જીવને મોહ પ્રત્યક્ષપણે અંતરાય સાથે ઉદિત થાય છે. મોહ એ સર્વ કર્મમાં રાજા સમાન છે. જે શ્રી રાજપ્રભુએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં નિરૂપ્યું છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી સહુ અશુભ કર્મનાં બંધન અનિવાર્ય છે, જ્યારે મોહ તૂટે છે ત્યારે જીવ અશુભ કર્મનાં ક્ષય કરતો થાય છે. મોહનો ક્ષય કઈ રીતે થાય ?
મોહનીય કર્મના મુખ્યત્વે બે ભાગ છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ. શ્રી રાજપ્રભુએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં મોહરાજાને હણવા માટે એક ધુરંધર માર્ગ શીખડાવ્યો છે.
૨૧૨