________________
કેવળી પ્રભુનો સાથ
જીવનાં લક્ષમાં આવે છે. નિહારનાં કાર્યથી વર્તમાન કર્મનો ક્ષય થઈ શકે છે, ભાવિ કર્મની નિર્જરા થઈ શકે છે, જો કર્મ નિકાચીત હોય તો પણ પુરુષાર્થનાં પ્રમાણમાં વર્તમાનમાં તેની નિર્જરા થઈ શકે છે વગેરે વગેરે. આ દરેકમાં નિર્જરાના પણ જુદા જુદા પ્રકાર છે તેનો તેને અનુભવ થાય છે. આથી જીવને અત્યાર સુધીમાં મળેલો આજ્ઞારસ અપૂરતો લાગવાથી, તે જીવ ફરીથી પ્રાર્થનાનો સકામ પુરુષાર્થ કરે છે. તેને લગતી મુશ્કેલીઓ દૂર કરવા, વિશેષ આજ્ઞારસ મેળવવા તે જીવ ચોથા માર્ગના આરાધન પ્રતિ જાય છે.
૪. સંજ્ઞી જીવનું નિર્જરા પ્રેરિત સંવર માર્ગનું આરાધન જીવને નિર્જરાની ગૂંચવણભરી વિવિધતાનો અનુભવ થવાથી તે ખૂબ મુંઝાય છે. આ મુંઝવણ દૂર કરવા તે પ્રાર્થના તરફ વળી, શ્રી પ્રભુ તથા શ્રી ગુરુરૂપ પંચપરમેષ્ટિ ભગવંતને પરોક્ષરૂપે પ્રાર્થના કરે છે, આ પ્રાર્થનાથી તે જીવને પોતાના સમર્થ ગુરુ તરફથી અને તેવો યોગ ન હોય તો તેમના ગુરુ, અને તેમના ગુરુ એમ પરંપરાએ શ્રી તીર્થંકર પ્રભુ તરફથી એક ગુપ્ત સિદ્ધિ દાનમાં મળે છે. તેનાથી તેને નિર્જરાના ભેદ જાણવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
જીવ જ્યારે નિર્જરા પ્રેરિત સંવર માર્ગમાં આવે છે ત્યારે તેની સંસારની સુખબુદ્ધિનો નાશ થયો હોય તો જ એને નિર્જરાના ભેદનો ખ્યાલ આવે છે. આ શુદ્ધિ આવતાં તેને સંજ્ઞાના બે ભેદની સમજણ પડે છે: સ્થૂળ તથા સૂક્ષ્મ સંજ્ઞા. આ જાણકારીથી જીવ આજ્ઞારસને નિર્જરાના ભેદ અનુસાર વહેંચી શકે છે. આ રીતે ભાગ પાડી આજ્ઞારસનો ઉપયોગ કરવાની શક્તિથી તે જીવ આજ્ઞારસનો વ્યય ઘટાડતો જાય છે, અને તે રસના ઉપયોગની શુદ્ધિ કરતો જાય છે. આમ સૂક્ષ્મતાએ કરાતા પાંચ મહાવ્રતના પાલનથી જીવ અંતરાય કર્મને અંતરાય ગુણમાં રૂપાંતર કરતાં શીખે છે. અંતરાય ગુણથી તે પરમાર્થ પુણ્ય બાંધે છે. તે પુણ્યના લીધે તે જીવ કલ્યાણનાં ઉચ્ચ પરમાણુઓને મેળવવાનો અધિકારી થાય છે. આ અધિકાર મળવાની સાથે તેને સદ્ગુરુ, સદ્ધર્મ અને સન્શાસ્ત્ર પ્રતિના વિનયાભાર ગુણની પ્રાપ્તિ થાય છે.
૨૫૮