________________
કેવળી પ્રભુનો સાથ
જીવમાં જ્યારે સરળતા યથાર્થરૂપે પ્રગટે છે ત્યારે જીવ પોતાની ભૂતની સર્વ સિદ્ધિનાં સર્વ કારણો, નિમિત્તો તથા સંજોગોને યથાર્થપણે જાણે છે. સાનુકૂળ કે પ્રતિકૂળ સંજોગમાં એ જાણે છે કે પોતા કરતાં ઘણાં બધાં કારણો, નિમિત્તો તથા સંજોગોમાં સંમેલનથી સાનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો ઉદયમાં આવે છે. આ સર્વે અન્ય કારણોનો ફાળો જાણવાથી એ સાનુકૂળ સંજોગમાં માન ન કરતાં પ્રભુનો આભાર માને છે. અને પ્રતિકૂળ સંજોગમાં દ્વેષ કે ખેદ ન વેદતાં કરુણા વેદે છે. આમ આ આભાર કે કરુણાના વેદનના મૂળમાં સરળતા રહેલી છે. સરળતા હોવાથી જીવ જે વસ્તુ જેમ છે તેમ જાણે છે, અને સ્વીકારે છે. આ સરળતાનું ઉત્કૃષ્ટ શુધ્ધ સ્વરૂપ એટલે સયોગી કેવળી, અયોગી કેવળી તથા શ્રી સિદ્ધ પ્રભુની પરમ વીતરાગમય અડોલ સ્થિતિ. સરળતાના ગુણથી જીવ પોતાનાં સ્વચ્છંદ, પ્રમાદ તથા માનને સત્યતાએ હરાવે છે, જેથી એ અંતરાય કર્મનો અતિ ઉગ્રતાથી ક્ષય કરે છે. આ રીતે ભૂતકાળનાં કર્મોના પ્રત્યાઘાતોને આભાર, કરુણાના માધ્યમથી જીવ ક્ષમાવે છે.
ભવિષ્યકાળના સંજોગો માટે જીવ મુખ્યતાએ ઉત્સુક હોય છે. એમાં પણ આ સરળતાના ગુણની સહાયથી જીવ ચંચળતા ઉત્સુકતાને ધીરજ ગુણથી શમાવે છે. જે સંજોગની ઇચ્છા છે તે પાંચ સમવાય ભેગા થયા પછી જ, પાંચેનું સંમેલન થયા પછી જ ઉદિત થાય છે. તેથી તે જીવ અધીરજ ન કરતાં, ધીરજ રાખી પ્રભુ પાસે પ્રાર્થના કરવાનો પુરુષાર્થ કરતાં શીખતો જાય છે. આ વિચારતાં સમજાશે કે સરળતાના ગુણમાં જીવ સાધુસાધ્વીના પુરુષાર્થ જેવી ગતિ કરવાનો ભાવ સેવે છે. સરળતાના ગુણમાં જીવને જે જે ગુણની પ્રાપ્તિ હોય છે, તે સર્વ ગુણોનો એકરાર કરી તેને વેદનમાં લાવવાનો પુરુષાર્થ સમાયેલો છે. સરળતાના માધ્યમથી જીવ ભાવિમાં ઉદય લાવવાના ભાવથી, વર્તમાનમાં સંજ્ઞા દ્વારા ભોગવાય એવા કર્મનો ધીરજ ગુણથી સંવર કરે છે. અને જે ભૂતકાળનાં કર્મો વર્તમાને ઉદયમાં છે, એની કરુણાના ગુણથી જીવ એ જ સમયે ઉત્તમ નિર્જરા કરે છે. ઉત્કૃષ્ટ સંવર અને ઉત્કૃષ્ટ નિર્જરા એક જ સમયે વેદવા એ મહાસંવરનો માર્ગ છે. આમ સરળતાના ગુણથી જીવ મહાસંવરનો માર્ગ આચરી શકે છે, એટલું જ નહિ પણ જીવ લોકકલ્યાણની ભાવનાની પ્રથમ ભૂમિકા પણ વેદી શકે છે.
૩૨૨