________________
કેવળી પ્રભુનો સાથ
પરમાણુઓમાં આજ્ઞારસ લદાયેલો હોય છે. આ કલ્યાણરૂપી આજ્ઞારસ સાથે કર્મ પરમાણુ નિયમથી કલ્યાણના પરમાણુરૂપે પરિણમે છે. આ રીતે જીવ પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાના સમયમાં નિર્ભરતા પરમાણુને યોગ્ય રીતે કલ્યાણના પરમાણુમાં પરઠાવે છે, જેથી એ નિહારની પરમ વિશુદ્ધિ આચરી શકે છે.
આની વિવેકભરી સમજણ સ્પષ્ટતા આપે છે કે રૂપી આજ્ઞારસમાં ધર્મરૂપી મંગલપણું, ધર્મરૂપી સનાતનપણું તથા આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનો પરિપૂર્ણ આજ્ઞારસ સમાયેલો છે. એ આજ્ઞારસમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો ઉત્તમ પુરુષાર્થ પણ સમાયેલો છે. આ આજ્ઞારસ દ્વારા સર્વ પંચપરમેષ્ટિ ભગવંતના કેવળીગમ્ય પ્રદેશો બને છે. અહો ! શ્રી તીર્થંકર પ્રભુનો કેવો અપૂર્વ પુરુષાર્થ ? જે જીવ ભાવિમાં પરમેષ્ટિપદ પામવાનો છે એના કેવળીગમ્ય પ્રદેશમાં પોતાના કેવળીગમ્ય પ્રદેશના આજ્ઞારસથી સિંચન કરે છે. બીજી રીતે કહીએ તો જે જીવ તીર્થંકર પ્રભુના આજ્ઞારસથી કેવળીગમ્ય પ્રદેશને તરબોળ કરે છે તે ભાવિમાં પંચપરમેષ્ટિ પદને પ્રાપ્ત કરે છે. કદાચ સવાલ થાય કે, સર્વ જીવ મોક્ષમાં જાય તે વખતે તેઓ પરમેષ્ટિ પદને પામે છે, તો તે ન્યાયે સર્વ જીવના કેવળીગમ્ય પ્રદેશોમાં આ આજ્ઞારસનું સિંચન હોય છે ખરું?
શ્રી પ્રભુ જણાવે છે કે સર્વ કેવળીગમ્ય પ્રદેશોમાં ૐ આજ્ઞારસ સમાયેલો તો હોય છે. પણ તેમાં ભેદ હોય છે. આ ભેદ બે પ્રકારે છે: અમુક આત્મા કેવળજ્ઞાન લીધાં પહેલાં પરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે, કે જેઓએ શ્રેણિ માંડયા પહેલાં જ જીવ સમસ્તના કલ્યાણના ભાવ ઉચિત રીતે વેદ્યા હોય છે. અને અન્ય જીવો કે જેઓ શ્રેણિમાં જીવ સમસ્તના કલ્યાણના ભાવ કરી શ્રેણિ પૂરી કરી, સિદ્ધ થતી વખતે પંચ પરમેષ્ટિ પદમાં સ્થાન મેળવે છે.
જેઓ પરમેષ્ટિ પદના પહેલા વિભાગમાં આવે છે તેઓ છે શ્રી અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી. તેમના કેવળીગમ્ય પ્રદેશોમાં સોનેરી રૂપેરી ૐ આજ્ઞારસથી સિંચન થાય છે. અને બીજા વિભાગમાં આવતા સિદ્ધ પ્રભુના આત્માના કેવળીગમ્ય પ્રદેશમાં માત્ર રૂપેરી ૐૐ આજ્ઞારસથી સિંચન થાય છે. આ બે વચ્ચેનો તફાવત હે પરમ પ્રભુ! પરમ અનુગ્રહ કરી અમને સમજાવો.
૨૯૦