________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
જીવને સ્થૂળ આહાર છે, સ્થૂળ નિહાર છે પણ સંજ્ઞા ન હોવાથી સ્થૂળ વિહાર નથી, પરંતુ સૂક્ષ્મ વિહાર છે.
નિહાર – નિર્જરા જીવ કર્તાપણું કરવાની સાથે ભોક્તાપણું પણ વેદતો હોય છે. ભોકતાપણું વેચવામાં જીવ આહારની પ્રક્રિયાથી ઊલટી પ્રક્રિયા કરતો હોય છે. તે પ્રક્રિયા ધ્યાનથી સમજવા યોગ્ય છે. જીવ ભોક્તાપણું વેદવાનો હોય છે તે પહેલાં કર્મનો નિહાર કરવા માટે વિહાર કરે છે. આ વિહારમાં જે પુદ્ગલ પરમાણુઓનો વિપાક ઉદય કે પ્રદેશોદય આવવાનો હોય તેને જીવ આત્માના દરેક પ્રદેશમાંથી એકઠા કરે છે. એ પરમાણુઓને જીવ પોતાના ભાવ દ્વારા ઈધન અને અગ્નિ આપે છે. આ બંને મળતાં પરમાણુઓ ગતિ પામે છે, અને નિહારનાં સ્થાન પર ભેગાં થાય છે. નિહાર માટેનાં સ્થાનો છે મનોયોગ, વચનયોગ અને કાયયોગ. જે પરમાણુઓ વિપાક ઉદયથી નિહાર પામવાના હોય એ ભાગના પ્રદેશોમાં અભિસંધિજ વીર્ય ઉત્પન્ન થાય છે; કારણ કે વિપાક ઉદયમાં જીવ કર્મનો નિહાર યોગની સ્થૂળ અસર સાથે કરે છે. આ સ્થળ અસરથી જીવ કર્મનો કર્તા બને છે, એથી એ ભાગમાં તે અભિસંધિજ વીર્ય દ્વારા કર્મનો આહાર કરે છે.
જ્યાં વિપાકોદય હોય છે ત્યાં કર્મનો આશ્રવ વધારે હોય છે, તેથી આશ્રવ માટે અભિસંધિજ વીર્ય વપરાય છે. ત્યાં નિહાર પ્રમાણમાં અલ્પ હોવાના કારણે નિહાર માટે જીવ અનભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે.
- જ્યારે જીવ પ્રદેશોદયથી નિહાર કરે છે, ત્યારે આનાથી ઊલટા પ્રકારની પ્રક્રિયા થાય છે. પ્રદેશોદયના નિહારમાં જીવ કર્મને યોગની સૂક્ષ્મ અસર આપે છે, આ કારણથી જીવને પ્રદેશોદયના નિહારમાં ખૂબ અલ્પ આશ્રવ અને સકામ નિર્જરા ઘણી વધારે થાય છે. તેથી જીવ ત્યાં અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે અને આશ્રવ માટે અનભિસંધિજ વીર્ય વાપરે છે.
૨૫૧