________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી તીર્થંકરાદિ સર્વ પંચપરમેષ્ટિ ભગવંત લોકના સમસ્ત જીવોનું કલ્યાણ વાંછે છે. આ લોકકલ્યાણના ભાવ એ જીવના સ્વતંત્ર ભાવ છે. તે ભાવ અનુસાર પુદ્ગલ પરમાણુઓના વિવિધ સ્કંધોની રચના થાય છે. આ પુદ્ગલને કલ્યાણ ભાવરસ મળતો રહે એવી રીતે અન્ય ચારે દ્રવ્યો જીવનાં કલ્યાણના આત્મભાવને કારણે, તે કલ્યાણભાવનાં પરમાણુઓને સાચવવાની આજ્ઞા મેળવે છે. જ્યાં સુધી આવા કલ્યાણભાવ કરનાર અન્ય જીવના ભાવ, આ ચાર દ્રવ્યને નવી આજ્ઞા આપતાં નથી, ત્યાં સુધી એ ચારે દ્રવ્યો સ્વતંત્રપણે એ કલ્યાણભાવનાં પરમાણુઓને અન્ય વિભાવભાવથી બચાવીને સાચવે છે. જ્યારે અન્ય કોઈ અન્ય સમાન કલ્યાણભાવ કરનાર જીવના ભાવ એ ચારે દ્રવ્યો પાસે પહોંચે છે, ત્યારે એ દ્રવ્યો સમાનભાવ ઓળખી, પરતંત્ર બની, પૂર્વનાં કલ્યાણનાં પુદ્ગલ પરમાણુઓને આવા ભાવ કરનાર જીવ પાસે મોકલે છે.
આ રીતે આવા કલ્યાણભાવ ભરેલા પરમાણુઓ કોઈ આત્મકલ્યાણ માગનાર જીવ પાસે પહોંચી, પુદ્ગલરૂપ ૫૨૫દાર્થમાં રહેલો આત્મકલ્યાણનો ભાવ કલ્યાણ માગનાર જીવમાં પ્રવેશ પામે છે. તેના થકી તે જીવનાં કલ્યાણના ભાવ વિકસે છે અને ખીલે છે. આ પ્રક્રિયા થાય તે દરમ્યાન જો એ જીવના ભાવ કોઈ કારણસર ફરી જાય તો, કલ્યાણભાવની શુદ્ધિ એ પરમાણુઓમાં ઓછી થાય છે.
કલ્યાણ માગનાર કે કલ્યાણના ભાવ કરનાર જીવ પાસે જ્યારે પૂર્વનાં કલ્યાણનાં પરમાણુઓ પહોંચે છે, તે સમયે તે જીવ જો પ્રમાદાદિ કર્મબંધના ચાર કારણોને વશ થઈ તેને પ્રાધાન્ય આપે છે તો, કલ્યાણભાવના કારણે સ્વતંત્રમાંથી પરતંત્ર બનેલા એ ચારે દ્રવ્યો પરમાણુઓમાં રહેલા કલ્યાણભાવને મંદ કરે છે. કલ્યાણભાવનાં પરમાણુઓ જીવ પાસે આવે છે ત્યારે તેનો કલ્યાણરૂપી આત્મરસ અક્રિયમાંથી (passive માંથી) સક્રિય (active) થઈ જાય છે, તેથી જો કોઈ મંદ પુરુષાર્થી જીવ સક્રિય આત્મરસને સ્પર્શે ત્યારે તેના વર્તમાનના આત્મભાવ ભૂતકાળના આત્મભાવ કરતાં ઓછા શક્તિશાળી હોવાને કારણે એ કલ્યાણરસને નબળો કરી નાખે છે. નબળાપણું આવતાં મંદ પુરુષાર્થી જીવને અંતરાય કર્મ બંધાય છે.
૨૪૬