________________
કેવળી પ્રભુનો સાથ
હોય છે ત્યાં સુધી તેના પૂર્વના અશુભ બંધ ટળી, શુભનાં બંધમાં જાય છે. અને એ કાળે જો એ સાતમા ગુણસ્થાને જાય તો સ્વરૂપ સ્થિરતાની લગનીના પ્રભાવથી શુક્લધ્યાનમાં પાપ સાથે પુણ્યનો ઘણો જથ્થો બાળી આત્માને હળવો કરે છે. ફરીથી તે છકે આવી આજ્ઞાધીન રહી સંસારથી અલિપ્તતા કેળવે છે. આ રીતે પ્રવૃત્તિ કરતાં કરતાં કર્માશ્રવ અલ્પ થાય ત્યારે તેને વર્તમાનના પુરુષાર્થને ભાવિના પુરુષાર્થમાં લઈ જવાની આજ્ઞા આવે છે. તેમાં તે જીવ છઠ્ઠા ગુણસ્થાને હોય ત્યારે પ્રાર્થના અને મંત્રસ્મરણના સાથથી શુભાશુભ ઉદયોમાં જે રતિ-અરતિ તેને થાય છે તેનાથી નિવૃત્ત થવા પ્રયત્ન કરે છે. તેથી તે આજ્ઞામાં રહી નિમિત્ત પર લક્ષ ન દેતાં, સ્વની પરિણતિ અને વૃત્તિનાં સુધારા પર લક્ષ રાખી કર્મની બળવાન નિર્જરા કરે છે. અને એ વખતે કેવળજ્ઞાન પહેલાં ભોગવાય તેવાં પુણ્યોને તે કેવળજ્ઞાન પછી ભોગવી શકાય એવા પરમાર્થ પુણ્યમાં ફેરવે છે, જેથી કેવળજ્ઞાનને નજદીક લાવી શકાય. આજ્ઞાધીન રહી આ સ્થિતિમાં તે સાતમા ગુણસ્થાને જાય છે ત્યારે જે શાતાવેદનીયનો બંધ પડે છે તે કેવળજ્ઞાન પછી ઉદયમાં આવે એ પ્રકારનો હોય છે. આમ ક્ષમાપના, પ્રાર્થના અને મંત્રસ્મરણના સાથથી આજ્ઞાધીન બની, જીવ છઠ્ઠા સાતમાં ગુણસ્થાને અપૂર્વ કાર્ય કરે છે. પૂર્વકાળમાં કરેલા દોષને કારણે આવતા અશાતાના ઉદયોમાં નિમિત્તના લક્ષને બદલે સ્વદોષની આલોચના તથા પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થતો જાય છે. એ દ્વારા છઠ્ઠા ગુણસ્થાને પુરુષાર્થને ફેરવવાની જીવની તૈયારી થાય છે, અને સાતમા ગુણસ્થાને એ પ્રક્રિયા મૂર્ત રૂપ ધારણ કરે છે. એટલે કે ઘણાં ઘણાં કર્મો પ્રદેશોદયથી વેદાઈ જાય છે, એટલું જ નહિ પણ આપણે ઉપર જોયું તેમ નવા પડતા બંધ પણ કેવળજ્ઞાન મેળવવામાં મદદરૂપ થાય તે પ્રકારના થતા જાય છે.
સાતમા ગુણસ્થાને કઈ પ્રક્રિયા થાય છે? તે જીવ સાતમા ગુણસ્થાને શુક્લધ્યાનનો અનુભવ કરી કર્મની સ્થિતિ તોડે છે. વિશેષમાં એ શુક્લધ્યાનમાં તેના કેવળીગમ્ય પ્રદેશો બાકીના પ્રદેશોને બોધ આપે છે કે જેથી એનું શ્રુતકેવળીપણું વર્ધમાન થાય.
જ્યારે કેવળીગમ્ય પ્રદેશો બાકીના સર્વ પ્રદેશોને કેવળજ્ઞાનમાં કહી શકાય એ સર્વ બોધ આપે છે ત્યારે નિશ્ચયથી એ આત્માને પૂર્ણ શ્રુતકેવળીપણું પ્રાપ્ત થાય છે, જેને શ્રી કૃપાળુદેવે ‘કેવળ લગભગ ભૂમિકા'ના નામથી ઓળખાવેલ છે.
४६