________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
કલ્યાણ પ્રેરિત મહાસંવરના માર્ગમાં પરમ મૈત્રીમાંથી પરમ વીતરાગતા આવે છે. આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવરના માર્ગમાં પરમ મૈત્રી સહિતની પરમ વીતરાગતા આવે છે.
જીવન એ એક સંગ્રામ છે, જંગ છે. એ જંગમાં સર્વ રૂપી પદાર્થો અરૂપી પદાર્થને રૂપી બનાવવા પ્રેર્યા કરે છે. જેટલા પ્રમાણમાં અરૂપી પદાર્થ રૂપી પદાર્થને ગ્રહણ કરે છે, તેટલા પ્રમાણમાં તે જીવ પોતાના મૂળ સ્વભાવ છોડી, પરભાવના પ્રત્યાઘાતથી રંગાય છે. અને તેનાં નિમિત્તે તે પાંચ મહાવ્રતનું છેદન કરી, અંતરાયાદિ આઠ કર્મનું બંધન સ્વીકારે છે. અરે! આ કેવી વિચિત્રતા છે? રૂપી પદાર્થ જડ છે, અરૂપી પદાર્થ ચેતન છે, તેમ છતાં અરૂપી પદાર્થ રૂપી પદાર્થને ગ્રહણ કરીને અરૂપીમાંથી રૂપી બને છે! આ અરૂપી પદાર્થને રૂપી બનાવનાર જે તત્ત્વ છે તે અંતરાય કર્મ છે. શ્રી સર્વજ્ઞ જિનેશ્વર પ્રભુ, અરૂપી પદાર્થમાં રહેલ અંતરાય કર્મની સંખ્યા, જથ્થો, રસ અને સ્થિતિ જોઈને અરૂપી પદાર્થનાં રૂપીપણાનાં કર્મની સ્થિતિ તથા કાળને જાણે છે.
શાસ્ત્રમાં અંતરાય કર્મ છેલ્લું વર્ણવાયું છે; તે અરૂપી પદાર્થ પર પોતાનું રાજ્ય ચલાવે છે. કેવળી સમુદ્યાત જેવા શુધ્ધાત્માના બળવાન પુરુષાર્થમાં પણ એ અંતરાય કર્મ પોતાનાં અસ્તિત્ત્વને જાળવી રાખે છે. એ અરૂપી શુદ્ધાત્મા જ્યારે સિદ્ધભૂમિમાં અન્ય અડોલ શુદ્ધાત્માની પરમ પૂર્ણ આજ્ઞાને સ્પર્શે છે, ત્યારે જ એ આત્મા પોતાનાં અરૂપીપણાની પૂર્ણતા અનુભવી શકે છે, માણી શકે છે. અને ત્યારે જ એ આત્મા નિશ્ચયનયથી પૂર્ણ અરૂપી કહેવાય છે. શ્રી રાજપ્રભુએ આ હકીકતને નીચેની પંક્તિઓમાં ગુપ્તપણે સમાવી છે – રહે અરૂપી રૂપીને એ અચરજની વાત”
– જડ ભાવે જડ પરિણમે. શ્રી. રાજચંદ્ર (અંતરાયકર્મની મુખ્યતાનું કારણ દર્શાવ્યું છે.) “શુદ્ધ,બુદ્ધ,ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ.”
- આત્મસિદ્ધિ શાસ્ત્ર. શ્રી. રાજચંદ્ર (સિદ્ધભૂમિમાં થતાં અંતરાય કર્મના સંપૂર્ણ નાશનું ગુપ્ત વર્ણન છે.)
૧૮૭