________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
શ્રી કેવળીપ્રભુ અંતરાયના માધ્યમ (Code) ની જાણકારીથી નિશ્ચિતપણે જીવને ભાવિ જણાવી શકે છે.
પોતાની વિશુદ્ધ દૃષ્ટિથી અંતરાય કર્મના ભાગ, રસ, સ્થિતિ, પ્રકાર આદિ જાણી શ્રી કેવળી ભગવાન, એ જીવને એ અંતરાય કર્મના પરિપાક પ્રમાણે એ કર્મ ક્યારે ઉદયમાં આવશે, કેટલો વખત ટકશે, ક્યારે ક્ષય થશે અને એ જીવ ક્યો પુરુષાર્થ કરી ક્યા વેગથી એ અંતરાય કર્મને અંતરાય ગુણમાં પલટાવી શકશે, તેની જાણકારીથી ક્યા સમયે તે જીવ તે કર્મથી છૂટી જશે તે જણાવી શકે છે. આ અંતરાયની પર્યાયનાં કારણે (એટલે કર્મ તથા ગુણના કારણે) શ્રી કેવળી ભગવાન તથા સિદ્ધ ભગવાન, આત્માનાં આકૃતિ તથા કદ જુદાં હોવા છતાં, આત્માના સર્વ ગુણોને સમાનપણે વેદી શકે છે. આ અંતરાય પર્યાય તથા અગુરુલઘુ ગુણથી આત્મા તેના ભૌતિક આકારથી (physical shape) સ્વતંત્ર થઈ પૂર્ણ બને છે.
અંતરાય કર્મને અશુભ પર્યાયમાંથી શુધ્ધ પર્યાયમાં લઈ જવા માટે શ્રી જિનપ્રભુએ આઠ માર્ગનું નિરૂપણ કર્યું છે. તેમાંનો કોઈ ને કોઈ માર્ગ જીવ જુદા જુદા સમયે પોતાની પાત્રતા તથા પુરુષાર્થ અનુસાર આદરે છે. આ આઠે માર્ગની સમજણ લેતાં પહેલાં, અંતરાય કર્મની અશુભ પર્યાય તથા શુભ પર્યાય ઉત્પન્ન થવામાં ક્યા કારણો નિમિત્તરૂપ છે, તે કઈ રીતે ઉત્પન્ન થાય છે તે વિશે જાણવું ખૂબ જરૂરી છે.
અશુભ અંતરાય પર્યાય ઉત્પન્ન થવા માટે મુખ્ય ચાર પ્રત્યક્ષ કારણો છે અને એક પરોક્ષ કારણ છે. પ્રત્યક્ષ કારણો તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય છે. યોગ એ પરોક્ષ કારણ છે. મિથ્યાત્વ આદિ ત્રણ મુખ્ય કારણોને જ્ઞાનીઓ વિભાવરસ તરીકે ઓળખાવે છે. વિભાવરસ એટલે નિશ્ચયનયથી આ કારણો કર્મ નથી, પણ જીવે કરેલા વિભાવનું પરિણામ છે. જીવ જ્યારે વિભાવ કરે છે, એટલે કે કર્મનો કર્તા થાય છે
ત્યારે એ કારણો વિભાવના પ્રતિકરૂપ – રસરૂપે પરિણમે છે. જેના લીધે તે જીવ એના આત્મા પર ભાવિમાં ભોક્તા બને એવા પુદ્ગલ પરમાણુઓને આશ્રવે છે. આ બધું કાર્ય માત્ર એક જ સમયમાં થાય છે. પરંતુ જો આપણે એ કાર્યના ભાગ કરીએ તો જીવ જ્યારે વિભાવ કરે છે ત્યારે તે ચાર પ્રકારના વિભાવરસ વેદે છે. આ વિભાવરસ
૧૯૧