________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ભક્તિમાર્ગ, ક્રિયામાર્ગ, જ્ઞાનમાર્ગ કે યોગમાર્ગમાં રહીને જીવ જ્યારે મહાસંવરના માર્ગની આરાધના કરે છે ત્યારે તેને પ્રત્યક્ષ સદ્ગુરુનું આજ્ઞાકવચ પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી મિથ્યાત્વની નિર્જરા થાય છે.
આજ્ઞામાર્ગમાં આવ્યા પછી મહાસંવરના માર્ગની આરાધના કરવાથી જીવને સર્વ સદ્ગુરુનું આજ્ઞાકવચ મળે છે, અને તેની મદદથી જીવ અવિરતિથી છૂટતો જાય છે.
તેના પછી નિગ્રંથમાર્ગમાં સરી જીવ મહાસંવર માર્ગનું આરાધન કરે છે ત્યારે તેને સર્વ સત્પુરુષનું આજ્ઞાકવચ મળે છે અને તેનો પ્રમાદત્યાગ થતો જાય છે.
એ જ રીતે જીવ વિકાસ કરી નિર્વાણમાર્ગના આશ્રયે જાય છે ત્યારે તેને પંચપરમેષ્ટિનું આજ્ઞાકવચ દાનરૂપે મળે છે. જેના થકી તે જીવ કષાયથી મુક્ત થઈ જાય છે.
અને છેવટમાં એ શુદ્ધાત્મા પરિનિર્વાણમાર્ગમાં મહાસંવર માર્ગનું આરાધન કરી ઉત્કૃષ્ટ પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞાકવચની મદદથી યોગના બંધનથી પણ છૂટી જાય છે, અને સર્વ કાળને માટે સિદ્ધભૂમિમાં સ્થિર થઈ જાય છે.
આ મહાસંવરનો માર્ગ ‘નિર્જરા’ ની અપેક્ષાએ પણ સમજવા યોગ્ય છે. શ્રી પ્રભુએ નિર્જરા બે પ્રકારે બોધી છે. અકામ નિર્જરા અને સકામ નિર્જરા. તેના સૂક્ષ્મ ભેદ અનંત છે, અકામ અને સકામ નિર્જરા જુદી જુદી માત્રાના મિશ્રણરૂપે પણ અનુભવી શકાય છે એટલે તેના અનંત ભેદ થઈ શકે છે.
અકામ નિર્જરા એટલે કર્મનાં પરમાણુઓનું આત્માના પ્રદેશ પરથી એવી રીતે નીકળી જવું કે જેમાં જીવની સ્વાભાવિક ઇચ્છા આ પ્રક્રિયાથી જુદી એવી બીજી પ્રક્રિયા પર કેંદ્રિત થઈ હોય. સકામ નિર્જરામાં જીવ સ્વ ઇચ્છાએ કર્મનાં પરમાણુઓને આત્માના પ્રદેશ પરથી કાઢવાનો સભાન પ્રયત્ન કરે છે.
સામાન્યપણે જીવ કર્મો વિપાકોદયથી ભોગવીને નિર્જરાવે છે, અને અમુક વખતે તે પ્રદેશોદયથી કર્મને વેદી તેની નિર્જરા કરે છે. કર્મ ભોગવતાં જીવ જેટલા અંશે તેના આનુષંગિક ભાવો વેદે છે તેટલા અંશે એ નવાં કર્મોનો આશ્રવ કરે છે.
૧૫૫