________________
કેવળી પ્રભુનો સાથ
તેઓ આ કલ્યાણના ભાવને પુદ્ગલદેહ આપવા પોતાના પૂર્વકૃત કર્મોને ઉરિણા કરી ત્વરાથી વેદી લે છે, તેને નિષ્ક્રિય કરે છે અને એ જ પુદ્ગલ પરમાણુઓને લોકકલ્યાણરૂપ પુદ્ગલ પરમાણુઓમાં રૂપાંતરિત કરે છે. તેમને જો ઉત્કૃષ્ટ લોકકલ્યાણના ભાવથી ઉત્પન્ન થતો ઉત્તમ સંવર હોય તો, તે પૂર્વકર્મનાં પરમાણુઓને કલ્યાણનાં પરમાણુઓમાં ફેરવવા માટે ઘણી મોટી સંખ્યામાં પરમાણુઓ જોઈએ, તે તો એટલા ગ્રહણ થતા ન હોવાથી કલ્યાણનાં પરમાણુઓના સર્જન માટે પૂર્વ સંચિત કર્મોનો સહારો તેમને લેવો પડે છે. આવો સહારો ઉત્તમ નિર્જરા વિના મળી શકે નહિ, તેથી તે આત્મા ઉત્તમ સંવર અને ઉત્તમ સકામ નિર્જરા એક સાથે એક જ સમયે કરે છે – આ છે મહાસંવરનો મહામાર્ગ. આવો માર્ગ વર્તમાનના કે ભાવિના પંચપરમેષ્ટિ ભગવંતને જ ઉપલબ્ધ થાય છે.
શ્રી તીર્થકર પ્રભુ છેલ્લા સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં અંતિમ ૨૦૮ - ૨૫૦ ભવમાં અપ્રગટપણે તથા પ્રગટપણે લોકકલ્યાણના ભાવ કરે છે. તેમને જ્યારથી જેટલા અંશે સકામ લોકકલ્યાણનો ભાવ વેદાય છે ત્યારથી તેટલા અંશે સકામ મહાસંવરનો માર્ગ આરાધાય છે. આ જીવ છેલ્લા આવર્તનમાં મુખ્યતાએ શ્રી તીર્થકર પ્રભુ કે ભાવિ તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી ઇન્દ્રિયવિકાસ તથા આત્મવિકાસ સાધતો હોય છે તેથી તેમને મહાસંવરના માર્ગને અનુભવવાની શક્યતા પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી રહેલી છે. આ માર્ગની ઉપલબ્ધિ માત્ર તીર્થકર પ્રભુ તથા ઘણા ઓછા ગણધરપ્રભુ પામે છે. જે ગણધરપ્રભુને તીર્થંકરપ્રભુનાં લોકકલ્યાણના ભાવમાં સ્પૃહા હોય છે, જેને પ્રભુના આત્માનાં ચમત્કારિક ચારિત્ર માટે ભક્તિ કેળવાઈ હોય છે, અને તેના અનુસંધાનમાં અમુક અપેક્ષાએ જે તીર્થંકર પ્રભુની રાગરહિત લોકકલ્યાણની ભાવનાને અનુમોદન આપે છે તે વિરલા ગણધરપ્રભુ ૧ થી ૧૪ ગુણસ્થાન સુધી મહાસંવરનો માર્ગ અનુભવવા ભાગ્યશાળી થાય છે. આ સિવાયના અન્ય કોઈ પણ જીવ પ્રત્યેક ગુણસ્થાને મહાસંવરના માર્ગને અનુભવી શકતા નથી. આ મહામાર્ગનું આરાધન કર્મબંધનના પાંચ કારણોનો ત્યાગ કરવામાં સહાય આપવા માટે સાધકને રક્ષણ પૂરું પાડે છે. તે કેવી રીતે છે તે આપણે સમજીએ.
૧૫૪