________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે. જ્યારે જ્યારે તેને મંત્રસ્મરણનું જોર ઘટે છે, ત્યારે ત્યારે તે સાધક જીવ ક્ષમાપના અને પ્રાર્થનાનો આશ્રય લઈ ફરીથી મંત્રસ્મરણમાં સ્થિર થાય છે. અને આત્માની વિશુદ્ધિ વધારતો જાય છે. મંત્રસ્મરણમાં એકાગ્રતા અને લીનતા આવતાં તે ધ્યાનમાં સ્થિર થાય છે, અને એ ધ્યાનમાં તે સંવર તથા નિર્જરાને એકસાથે અનુભવી શકે છે. પરંતુ એ વખતે આ બંને પ્રવાહોની તીવ્રતા એકસરખી હોતી નથી, તરતમતાવાળી હોય છે. આરંભમાં તેને સંવરની તીવ્રતા વધારે હોય છે, અને પછી ક્રમથી નિર્જરાની તીવ્રતા વધતી જાય છે. તે વખતે જીવ મહાસંવરના પુરુષાર્થને પહેલીવાર સ્થૂળતાએ તથા પ્રત્યક્ષ રીતે અનુભવે છે; તેમ છતાં તે સૂક્ષ્મતાએ સંવર તથા નિર્જરા માર્ગને જ અનુભવે છે, કેમકે એ જીવ સંવર તથા નિર્જરાને વારાફરતી વેદતો હોય છે.
અહીં આપણને જરૂર જિજ્ઞાસા થાય કે જીવ આ મહાસંવરના માર્ગને કેવી રીતે પોતાનાં અપૂર્વ આરાધનરૂપ પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ તથા ધ્યાનમાં વણી લે છે. આપણે જાણ્યું તે પ્રમાણે મહાસંવરના માર્ગમાં સંવર તથા નિર્જરાની ઉત્કૃષ્ટતા એક જ સમયે હોવી ઘટે છે. એ દુષ્કર, આછેરાના પુરુષાર્થને આદરવા માટે આત્માના ઉપયોગની તીક્ષ્ણતા એટલી સૂક્ષ્મ હોવી જોઈએ કે જેથી સંવર તથા નિર્જરારૂપ પરસ્પર વિરોધી પ્રવાહોને તે એક જ સમયે ઉત્કૃષ્ટતાથી વેદી કાર્યકારી કરી શકે. આ પુરુષાર્થમાં કર્મને અતિ અલ્પ કાળમાં કાપવાનો માર્ગ રહેલો છે, એમાં ઘણા વધારે વીર્યની જરૂર પડે છે, કારણ કે જીવે અલ્પ કાળમાં બેવડું કાર્ય સફળતાથી પાર પાડવાનું રહે છે. આવું વધારાનું વીર્ય મેળવવા માટે ખૂબ વીર્યવાન આત્મા પાસે જવું જરૂરી થાય છે. આવું ઉત્કૃષ્ટ વીર્ય સર્વસમર્થ આત્મા પાસેથી કે નજીકના ભવિષ્યમાં આવી સમર્થતા પામવાના હોય તેવા જીવ પાસેથી જ મળી શકે એ હકીકત છે. આવા આત્માઓ છે; શ્રી અરિહંત પ્રભુ, પંચપરમેષ્ટિ પદનાં ધારક થયેલા શ્રી પંચપરમેષ્ટિ કેવળી, શ્રી સિદ્ધપ્રભુ, ભાવિ તીર્થકર, ગણધર અને મહાદશાવાન આચાર્યો. આવા પુરુષાર્થ જીવો મહદ્ અંશે પરમ વીતરાગમય સ્થિતિમાં રહેતા હોય છે. તો તેમનું વીર્ય મહાસંવરના માર્ગમાં પ્રવર્તતા જીવને કઈ રીતે મળે છે, તે જિજ્ઞાસાયુક્ત વિચારણા પરમ ઉપકારી બને તેમ છે.
૧૫૨