________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
“ શ્રી સિધ્ધ ભગવાન! નિજકલ્યાણાર્થે ખૂબ ભક્તિથી વંદન કરી પ્રાર્થ છું. કે તમે મારા વદનનું રક્ષણ કરજો. તમે પાંચે ઇન્દ્રિયો અને સંજ્ઞાને પૂર્ણપણે ખીલવી, તેના જ સાથથી પૂર્ણ વીતરાગી બની તમારા આત્માને આઠે કર્મથી સ્વતંત્ર કરી સ્વસિદ્ધિથી મોક્ષભૂમિમાં બિરાજમાન થયા છો. અને ત્યાં સનાતન અનંત સુખને માણો છો. આપના આશ્રયે હું પણ સન્દુરુષનો યોગ મેળવી મારી સંજ્ઞા અને ઇન્દ્રિયોને પૂર્ણપણે ખીલવી, સ્વરૂપસિદ્ધિ કરું એવી ભાવના ભાવું છું. તે સફળ કરો.”
શૂન્યતા ન હોય ત્યારે એ સ્થિતિમાં જવા માટે સહાયરૂપ થનાર શ્રી સંતપુરુષના યોગની ઇચ્છા કરી, આ યોગ પણ સંસારમાં સતત મળી શકે નહિ, વચ્ચે વચ્ચે ફાજલ સમય તો આવે જ. તે સમયમાં વિભાવમાં જઈ કર્મબંધ ન કરવા માટે જીવ ભાવે છે કે “તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું.” આત્માને સાચો રંગ ચડાવી આત્મમાર્ગ વિકાસ કરાવે તે સત્સંગ, તેમાં શુધ્ધ આચારપાલનથી સ્વપર કલ્યાણ કરી – કરાવી શકે તેવા યોગની જરૂર રહે છે. આવો યોગ આપે છે ગણધર પ્રમુખ આચાર્યજી. આચાર્ય પોતાના શુધ્ધ આચરણથી આત્માર્થીને આગળ વધવા ખૂબ મદદ કરે છે, તેથી ભાવ કર્યા છે કે “નમો આયરિયાણું.”
“હે આચાર્યજી! તમને ભક્તિભાવથી વંદન કરું છું. તમે શુધ્ધ આચાર પાળી, ચારિત્ર અને ભાવના બળવાનપણાથી સ્વપર કલ્યાણ કરી રહ્યા છો. તેથી વિનંતિ કરું છું કે તમે મારા હૃદય, પેટ અને પીઠનું રક્ષણ કરજો. આપના રક્ષણથી અને સંગથી હું મારા અંતરાય અને મોહનીય કર્મનો ક્ષય કરવા ભાગ્યશાળી થઈશ. તમારી શુધ્ધ આચરણાને સ્વીકારી, તમારા શરણે હું મારું કલ્યાણ કરીશ.”
આવા ઉત્તમ ભાવ ભાવનાર જીવમાં પણ કર્મોદયની પછડાટ આવતાં મંદતા આવે છે, અને ઉત્તમ સત્સંગ મેળવવામાં અંતરાય આવે છે. આ અંતરાય તોડવા જીવ ભાવના કરે છે કે, “તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઇતું.” જે આચરણના અભાવથી સત્સંગની અંતરાય બાંધી હતી, તેને તોડવા આચરણની શુધ્ધતા ઇચ્છી છે.
૧૭૩