________________
કેવળી પ્રભુનો સાથ
સાનુકૂળ કર્મના ભોગવટામાં જીવ આવા સંજોગ વધારે મળે એવા રાગાદિ ભાવ કરે છે, અને પ્રતિકૂળ કર્મના ભોગવટામાં આવા સંજોગ ફરી ક્યારેય ન આવે એવા કર્મનો વિયોગ ઇચ્છતા દ્વેષાદિ ભાવ કરે છે. તેમાં જીવના તીવ્ર કે મંદ ભાવ અનુસાર રસ તથા જથ્થાનો બંધ થાય છે. જીવના ફરતા રહેતા આવા ભાવાનુસાર તેનાં કર્મોનું સંક્રમણ થયા કરે છે, અને તેના લીધે તેને કર્મનું કર્તાપણું તથા ભોકતાપણું અનુભવાય છે. ભોકતાપણાના પ્રભાવથી તેને કર્મનું કર્તાપણું ઉદ્ભવે છે. આ રીતે સંસાર ચાલ્યા જ કરે છે.
આ પરિભ્રમણથી નિવૃત્ત થવા જીવ જ્યારે વીતરાગધર્મનો રાગી થાય છે ત્યારે તે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓનો આશ્રવ કરે છે, અને તે ભાવાનુસાર પ્રક્રિયા કરે છે. આ કલ્યાણનાં પરમાણુઓમાં મહાસંવરનો માર્ગ ગુપ્તપણે ગોઠવાયેલો હોય છે. એ માર્ગે જીવ અતિ આવશ્યક એવા સંવર તથા નિર્જરાને સકામપણે ઉત્કૃષ્ટતાએ એક જ સમયમાં આદરી શકે છે. તેની સાથે તે એક એવી અપૂર્વ પ્રક્રિયા કરે છે કે જેના થકી એ શુધ્ધ સ્વરૂપનાં અનંત ગુણોનો સકામ આશ્રવ કરી શકે છે. આ પ્રક્રિયા કેવી રીતે થાય છે?
પ્રત્યેક કર્મોદય વખતે થતા રાગદ્વેષથી જીવ નવાં કર્મોનો બંધ કરે છે. પરંતુ જે જીવ મહાસંવરના માર્ગમાં પૂર્ણ આજ્ઞામાં રહી પુરુષાર્થ કરે છે, તેને આ પ્રક્રિયામાં ફેરફાર થાય છે. પૂર્ણ આજ્ઞામાં રહેવાને લીધે તે જીવ પોતાના ગમા કે અણગમાનો નિરોધ કરે છે, તે પોતાની ઇચ્છાને પ્રભુની ઇચ્છાને અનુકૂળ કરે છે. તે પ્રભુની ઇચ્છાનુસાર પોતાની ઇચ્છા રાખતો હોવાથી, શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓનો આશ્રવ તેને વધતો જાય છે. આ આશ્રવનાં કારણે વિભાવથી થતા કર્મના આશ્રવ માટે પહેલાં જેટલું યોગનું ખેંચાણ રહી શકતું નથી. આમ મંદ થયેલા રાગદ્વેષને લીધે તેનો કર્મપરમાણુઓનો આશ્રવ ઘટતો જાય છે. યોગની કર્મ ખેંચવાની શક્તિ દશાનુસાર રહે છે, તેથી તેનાથી કલ્યાણનાં પરમાણુઓ જેટલા વધારે ખેંચાય તેટલાં ઓછાં કર્મ પરમાણુઓ આવે. અન્ય રીતે જણાવીએ તો, જેટલી યોગની બળવત્તરતા તેટલાં વિશેષ કર્મયુગલોનો આશ્રવ થાય છે, પણ તેમાં જેટલી કષાયની
૧૫૬