________________
કેવળી પ્રભુનો સાથ
જે જીવ સાધુસાધ્વીના કલ્યાણરસને ગ્રહણ કરે છે, તે શ્રાવક શ્રાવિકાના આજ્ઞારસથી ભરેલાં કલ્યાણનાં પરમાણુને તરતમાં નિર્જરાવે છે, અને તે ભક્તિમાર્ગ, યોગમાર્ગ, ક્રિયામાર્ગ કે જ્ઞાનમાર્ગને અનુસરનાર હોય છે.
જે જીવ ઉપાધ્યાયના કલ્યાણરસને સ્વીકારે છે, તે સાધુસાધ્વીના આજ્ઞારસથી ભરેલાં કલ્યાણનાં પરમાણુને ત્વરિત નિર્જરાવી જગતને ભેટ આપે છે, તે જીવ પણ ઉપરના ચારમાંથી કોઈ એક માર્ગને અનુસરતો હોય છે.
જે ઉપાધ્યાય આચાર્યના કલ્યાણરસને આવકારે છે, તે ઉપાધ્યાયજીના આજ્ઞારસથી ભરપૂર કલ્યાણનાં પરમાણુઓને સત્વર નિર્જરાવી જગતમાં દોહરાવે છે. અને તે મુખ્યતાએ આજ્ઞામાર્ગને આરાધી આગળ વધે છે.
જે આચાર્ય ગણધરનાં કલ્યાણનાં પરમાણુઓમાં તરબતર થાય છે, તે પોતાનાં સ્વતંત્ર કલ્યાણરસ ભરિત પરમાણુઓ જગતમાં ફેલાવી, નિગ્રંથમાર્ગને મુખ્યતાએ અનુસરી જગતના જીવો પર ઉપકાર કરતા રહે છે.
જે ગણધરો શ્રી અરિહંત પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનો સ્વીકાર કરી તેમાં એકરૂપ થાય છે, તેઓ તે પરમાણુઓનો ઉત્તમ ઉપયોગ કરી, તેમાં પોતાનો સ્વતંત્ર કલ્યાણરસ ઉમેરી તેને નવત૨રૂપ આપી, તે પરમાણુઓને જલદીથી જગતને ભેટરૂપે આપે છે, અને એ વખતે તેઓ નિર્વાણમાર્ગને અનુસરતા હોય છે.
શ્રી અરિહંતપ્રભુ કેવળી સ્વરૂપે વિચરતાં વિચરતાં શ્રી સિદ્ધ પ્રભુનાં ત્યાગેલાં સર્વોત્તમ પરમાણુઓ ગ્રહણ કરી, તેના રસમાં પોતાનો આત્મરસ ઉમેરી પંચપરમેષ્ટિનાં પરમાણુરૂપ તેને કરી જગતમાં કલ્યાણાર્થે વહેતા મૂકે છે. અને તેઓ એ કાળમાં પરિનિર્વાણ માર્ગમાં ઝૂલતા રહે છે.
શ્રી કેવળીપ્રભુ સિદ્ધ થતા પહેલા કેવળી સમુદ્દાત કરે છે, તેમાં તેઓ સર્વ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ આવકારી, પોતાનો સર્વ કલ્યાણમય રસ ઉમેરી, જગતને સર્વોત્તમ કલ્યાણરૂપ થાય એવાં પરમાણુરૂપ બનાવી લોકને એ પરમાણુઓ ત્વરિત ગતિએ ભેટરૂપ આપી, પોતે સર્વ ઋણથી મુક્ત થઈ સિદ્ધભૂમિમાં વિરાજે છે.
૧૫૮