________________
કેવળી પ્રભુનો સાથ
સિદ્ધભૂમિમાં જતી વખતે તે આત્મા આઠે પ્રકારનાં કર્મોથી છૂટી શુદ્ધ થાય છે. આવો શુદ્ધાત્મા સિદ્ધભૂમિમાં જવા ગમન કરે છે, અને જ્યારે તે સિદ્ધભૂમિના નીચેના ભાગમાં (જ્યાં કેવળી સમુદ્યાત વખતે તેના આઠે કેવળીગમ્ય પ્રદેશો ફેલાયા હતા ત્યાં) આવે છે ત્યારે તેના આત્માનું કેવળજ્ઞાન બોધસ્વરૂપ – અનુભવરૂપ બને છે. આમ તે આત્મા શુદ્ધ થયા પછી બુદ્ધ થાય છે.
બુદ્ધ થયા પછી તે આત્મા સિદ્ધભૂમિના ઉપરના ભાગમાં એટલે કે જ્યાં લોકનો અંત આવે છે ત્યાં જાય છે, ત્યારે તે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપની ફૂરણાને પોતાની સાથે લઈ જાય છે, અને અન્ય સિદ્ધાત્માઓની સાથે ભળી જઈ તે ચેતનઘનરૂપ થાય છે.
એ આત્મા જ્યારે ચેતનાન થાય છે ત્યારે તે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનો પ્રવાહ અન્ય સિદ્ધાત્માઓને પહોંચાડે છે – તે પ્રવાહની વહેંચણી કરે છે. ધર્મરૂપી બીજને આજ્ઞારૂપી ધર્મ અને તપમાં પરિણમાવવાની પ્રક્રિયા કેવળી સમુદ્યાત વખતે આજ્ઞાથી થઈ હોય છે. એટલે બીજો એક આત્મા સિદ્ધ થાય ત્યાં સુધી તે પર્યાપ્ત રહે છે – અર્થાત્ આજ્ઞારૂપી તપનો પ્રવાહ ત્યાં સુધી રહે છે. આ આજ્ઞારૂપી ધર્મ અને તપ અન્ય સિદ્ધાત્માઓને પહોંચાડયા પછી, એ આત્માનું સર્વ સિદ્ધ આત્મા પ્રતિનું ઋણ પૂરું થાય છે – ઋણ ચૂકવાઈ જાય છે. એ વખતે તેની અક્ષય સ્થિતિની અંતરાય ક્ષીણ થાય છે. અંતરાય તૂટતાં તેનું પૂર્ણ જ્યોતિ સ્વરૂપ પ્રકાશિત થાય છે, અને તેને સિદ્ધભૂમિમાં અક્ષય સ્થિતિ મળે છે.
સ્વયંજ્યોતિસ્વરૂપ ચારિત્ર અને પૂર્વનાં ક્ષીણ કરેલાં અંતરાય કર્મનાં ફળરૂપે મળેલાં કેવળજ્ઞાન તથા કેવળદર્શનને આત્મા અનંતાનંત કાળ સુધી માણે છે, જે શુદ્ધાત્મા માટે પરમ સુખનું કારણ છે. આમ શાશ્વતા કાળ માટે આત્મામાંથી નીપજતા સુખને આત્મા ભોગવતો હોવાથી તે સુખધામ બને છે. તેથી તો શ્રી રાજપ્રભુએ સાત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્મા વિશે લખ્યું છે કે,
“શુધ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ.”
૧૬૮