________________
કેવળી પ્રભુનો સાથ
ડ. નિર્વાણમાર્ગ આ માર્ગમાં જીવ પોતાના આત્માના ગુણોની પૂર્ણતાએ ખીલવણી કરી, સિદ્ધ ભગવાનનાં પહેલાં ચાર લક્ષણોની પ્રાપ્તિ કરે છે. આ માર્ગ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત ચારિત્ર (યથાપ્યાત ચારિત્ર), તથા અનંતવીર્યની પ્રાપ્તિનો છે, જેના થકી આત્માને અવ્યાબાધ સુખ મળે છે. નિર્વાણમાર્ગનાં આરાધનથી જીવ કષાયનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય કરી શકે છે. ઉપશમ કે ક્ષયોપશમ કરનાર જીવ થોડા કાળ પછી માર્ગથી પતન પામી નીચે ઊતરી આવે છે, અને ક્ષય કરનાર આત્મા પૂર્ણ શુધ્ધ થઈ તેરમાં ગુણસ્થાને પહોંચે છે. નિર્વાણમાર્ગ આઠમા ગુણસ્થાનથી શરૂ કરી બારમા ગુણસ્થાના અંત સુધી મુખ્યતાએ કાર્યરત રહે છે, તે પછી તે પરોક્ષરૂપે ભાગ ભજવે છે.
ઈ. પરિનિર્વાણ માર્ગ આ માર્ગના આરાધનથી આત્મા પોતાનાં તેજસ તથા કામણ શરીરનો પૂર્ણતાએ ક્ષય કરવાનો પુરુષાર્થ કરી શકે છે. અને તે આત્મામાંથી પરમાત્મા બની, સિદ્ધભૂમિમાં સિદ્ધાત્મારૂપે અક્ષય સ્થિતિને પ્રાપ્ત કરે છે. પરિનિર્વાણ માર્ગ બે ભાગમાં વહેંચાયેલો છેઃ સયોગી પરિનિર્વાણ માર્ગ અને અયોગી પરિનિર્વાણ માર્ગ.
સયોગી પરિનિર્વાણમાર્ગ મુખ્યતાએ તેરમા ગુણસ્થાને વર્તે છે. તે શ્રી કેવળ પ્રભુને અઘાતી કર્મોની ઉત્તમતાએ નિર્જરા કરવામાં ખૂબ સહાયકારી થાય છે. આ માર્ગના આરાધનથી કર્મબંધના પાંચ કારણોમાંથી માત્ર યોગના કારણથી જ પ્રભુને કર્મબંધ થાય છે, અને તે પણ માત્ર શાતાવેદનીય પ્રકારનો. યોગના જોડાણ વખતે પ્રભુને પૂર્વબધ્ધ અઘાતી કર્મોની બળવાન નિર્જરા થાય છે, સાથે સાથે કલ્યાણભાવના ઉત્તમ પરમાણુઓનો આશ્રવ થાય છે. અને જે વખતે પ્રભુને યોગ સાથેનું જોડાણ હોતું નથી, તે વખતે તેમને પૂર્વબધ્ધ કર્મોનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે, પરંતુ નવો આશ્રવ અલ્પ માત્રામાં પણ થતો નથી. સાથે સાથે આ માર્ગ પ્રભુને યોગનો ઉપશમ અને ક્ષયોપશમ કરાવે છે. આ માર્ગ મુખ્યતાએ આત્માને તેરમાં ગુણસ્થાને પ્રવર્તે છે.
૧૧૪