________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
અને લોકકલ્યાણના ભાવની વર્ધમાનતા કરતા જવાથી જીવને મહાસંવરના માર્ગમાં ચાલવાની શક્તિ મળતી જાય છે.
૧૩ થી ૧૫. સાતમા ગુણસ્થાને આવતાં અને સત્પુરુષની દશા સુધીનો વિકાસ કરતાં
જીવ છઠ્ઠા ગુણસ્થાને પોતાનાં મન, વચન તથા કાયાની સોંપણી શ્રી પ્રભુને તથા સદ્ગુરુને કરે છે, ત્યારે તે પ્રભુમાં એકરૂપ થવાની ભાવના ભાવે છે. તેથી તેના મનમાં નીચે જણાવેલી ભાવના સાકાર બનતી જાય છે.
“હે પ્રભુ ! તમે આ દાસ પર પરમ અનુગ્રહ કરી; અપૂર્વ એવો દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા ભક્તિનો માર્ગ બતાવી, વચનાતીત છતાં સચોટ અનુભવાય એવા કલ્યાણમાર્ગની પૂર્ણતારૂપ આજ્ઞામાર્ગ, નિગ્રંથમાર્ગ, નિર્વાણમાર્ગ અને પરિનિર્વાણમાર્ગનાં સૂક્ષ્મ ભેદરહસ્યોનું પરમ દાન આપી, અમારા પર અહો! પરમ અહો! એવો ઉપકાર કરી, અમને એ ભેદજ્ઞાનથી વિભૂષિત કર્યા છે. હે પરમ વીતરાગ! તમારી જે પૂર્ણ આજ્ઞાના બળથી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એ જ આજ્ઞાનાં સાનિધ્યમાં અમે માગીએ છીએ કે એ જ્ઞાન તથા દર્શન અમારા રોમેરોમમાં આજ્ઞામય ચારિત્રથી ફલિત થાઓ. આ કાર્ય પૂર્ણ થવામાં જે જે મોહ તથા અંતરાય કર્મ નડતરરૂપ હોય, એ સર્વ પૂર્વે કરેલા વિભાવના કર્મોની, સર્વ પ્રકૃતિના ક્ષય માટે તમારા ચરણકમળમાં શિષ નમાવી પરમ ક્ષમા માગીએ છીએ. હે કલ્યાણ સિંધુ! ભક્તની ભક્તિ પૂર્ણ ક૨વામાં જંબુદ્વીપ સમાન! અમારી આ યાચના ત્વરાથી પૂર્ણ કરજો.”
છઠ્ઠા ગુણસ્થાનમાં જીવ જ્યારે આગળ વધે છે ત્યારે તે ‘આણાએ ધમ્મો, આણાએ તવો'નું મહાત્મ્ય વધારે સારી રીતે સમજી શકે છે. તે આજ્ઞા માર્ગ જ્યારે સમય સમયના ગુંજનથી શરૂ કરી આત્માના પ્રદેશે પ્રદેશમાં વણાઈ જાય છે ત્યારે તે માર્ગને શ્રી જિન ભગવંતે નિશ્ચયથી ‘પૂર્ણ આજ્ઞા’ તરીકે ઓળખાવ્યો છે. નિશ્ચયથી પૂર્ણ આજ્ઞાના આ માર્ગને પામવા માટે શ્રી જિન ભગવંતે આ પ્રમાણે આત્મિક પુરુષાર્થ
૧૨૩