________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
શ્રી કેવળી પ્રભુને કર્મબંધનાં પહેલાં ચાર કારણોનો તો નાશ થયો છે, તો પછી કેવળ પ્રભુને કર્મનાં બંધન થવાનાં કારણોને કેમ સમજવાં?
શ્રી પ્રભુ તથા ગુરુની અસીમ કૃપાથી અને તેમની આજ્ઞામાં જવાથી તથા રહેવાથી આ બાબતનું રહસ્ય સહિત ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રી કેવળી પ્રભુને કર્મ બંધાવાનાં ચાર કારણોનો ક્ષય અપેક્ષાએ થયો છે, અતિ અતિ અલ્પ તથા સૂક્ષ્માતિસૂક્ષ્મ માત્રામાં આ ચારે કારણો અસ્તિત્વ ધરાવે છે. - શ્રી કેવળ પ્રભુનો આત્મા કેવળી પર્યાયમાં જ્યારે એક સમય માટે યોગ સાથે જોડાય છે ત્યારે તે સમયમાં અસંખ્યાત કલ્યાણના પરમાણુરૂપ શાતાવેદનીયના સ્કંધો તેઓ આશ્રવે છે. તે પરથી વિચાર આવે છે કે એ આત્મા જ્યારે ક્ષપક શ્રેણિમાં વર્તતો હોય છે ત્યારે તે આત્માની યોગશક્તિ તેરમા ગુણસ્થાન કરતાં બહુ ફેરફારવાળી હોતી નથી. તો પછી એ આત્મા બારમા ગુણસ્થાને જે સંખ્યામાં શાતાવેદનીયકર્મના સ્કંધો આશ્રવે છે, તેના કરતાં ઘણા ઘણા વધારે શાતાવેદનીયકર્મના સ્કંધો શ્રી કેવળીપ્રભુ તરીકે કેવી રીતે આશ્રવી શકે છે? બારમા ગુણસ્થાને આશ્રવ કરતાં નિર્જરા ઘણી ઘણી વધારે હોય છે, એટલું જ નહિ પણ તેરમાં ગુણસ્થાનના આશ્રવની અપેક્ષાએ શાતાવેદનીય કર્મનો આશ્રવ ઘણો અલ્પ પણ હોય છે. જો યોગની શક્તિમાં નોંધપાત્ર ફેરફાર ન હોય તો આશ્રવમાં આવો નોંધનીય ફેરફાર કેવી રીતે શક્ય બને છે?
શ્રી પ્રભુને આજ્ઞાધીન થવાથી, તેઓ કૃપા કરી રહસ્યનો વિસ્ફોટ કરે છે. સિદ્ધાંત પ્રમાણે જીવને કર્મ બંધાવાનાં મુખ્ય પાંચ કારણો છેઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. જીવ કર્મ બંધન કરતી વખતે ઓછામાં ઓછા બે કારણોના (યોગ તથા પહેલાં ચારમાંથી કોઈ એક) સહયોગમાં અને વધુમાં વધુ પાંચ કારણોના સહયોગમાં રહેલો હોય છે. જીવને કેવળજ્ઞાન થયા પહેલાં કર્મબંધન માટે પહેલાં ચાર કારણમાંથી એક કારણ મુખ્ય હોય છે અને બીજાં કારણો ગૌણતાએ પ્રવર્તતાં હોય છે. ઉદા.ત. મિથ્યાત્વ મુખ્ય કારણ હોય તો મિથ્યાત્વ પ્રેરિત અવિરતિ, પ્રમાદ અને કષાય ગૌણતાએ વર્તે છે, અને યોગ મુખ્યતાએ મિથ્યાત્વ સાથે જોડાયેલ હોય છે.
૧૩૧