________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
જે શિષ્ય આથી વિપરીતપણે વર્તે છે તે અવિનયી અને અવિનિત કહેવાય છે. તે અશુભ રીતે વર્તી સદ્ગુરુ, સપુરુષ આદિ પ્રત્યે અશુભભાવ કરી ઘાતકર્મોનો બળવાન જથ્થો એકઠો કરે છે. તેને વિનિત શિષ્યને થાય છે તેવો કોઈ લાભ થતો નથી; એટલું જ નહિ તે બધે નિંદાપાત્ર થાય છે, તે સ્વચ્છંદી, તથા પ્રમાદી બની અનેક પ્રકારે પાપકર્મ ઉપાર્જી પોતાનાં પરિભ્રમણને વધારે છે. - વિનય અને પ્રમાદ એ વિરોધી તત્ત્વો છે. વિનયથી જીવને પોતાથી આત્મવિકાસ વિશેષ છે એવા આત્મા પાસેથી માર્ગદર્શન મેળવવાની અને તે અનુસાર વર્તવાની શક્તિ મળે છે. વિનયના પ્રભાવથી તે પોતાના અવગુણો કે દોષને ઓળખી શકે છે, સપુરુષ અને સગુરુના ગુણોને પણ ઓળખી શકે છે, એટલું નહિ પણ પોતાના દોષને ટાળી ઉત્તમ ગુણોને ગ્રહણ કરવાની શક્તિ પણ મેળવી શકે છે.
અવિનયી જીવ પ્રમાદી બની માન વેદે છે ત્યારે એ પોતાને બીજા કરતાં સ્થળપણે કે સૂક્ષ્મપણે ઊંચો સમજે છે, અને ઘણીવાર તો તે પોતાને સગુરુ કે ભગવાનથી વિશેષ ડાહ્યો માનવાનો દોષ પણ કરી બેસે છે. આવી સ્થિતિમાં તે સગુરુ કે ભગવાનનો સાથ છોડી પોતાને માટે મોટું નુકશાન ઊભું કરે છે. તેને એ લક્ષ રહેતો નથી કે ભગવાન કે સદ્ગુરુ કદી પણ જીવનો સાથ છોડતા નથી, તેમનો જીવ માટેનો કલ્યાણભાવ સતત વહેતો જ રહે છે, પણ જીવ જ વિપરીત બુદ્ધિના કારણે ઉત્તમનો સાથ છોડી પોતાની અધોગતિ કરે છે કારણ કે સંસારનો મોહ તેના પર વિજય મેળવી ગયો હોય છે.
વિનયગુણ આટલો બધો લાભકારી હોવાથી તે ગુણનો ઉપયોગ ક્યા પ્રકારે થાય છે તેના આધારે જીવનો ભાવિનો વિકાસ રચાય છે. એક પ્રકારમાં જીવ પોતાનો વિનયભાવ વધારી, ભક્તિ વધારી મોહ તોડે છે, અને તેના અનુસંધાનમાં જીવ પોતાનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણ તોડે છે. બીજા પ્રકારમાં ગુરુ આશ્રયે જ્ઞાન અને દર્શનનાં આવરણ તોડી સાચી સમજણ મેળવી તેના આધારે મોહ તોડવાનો પુરુષાર્થ કરે છે.