________________
કેવળી પ્રભુનો સાથ
જીવ જ્યારે આજ્ઞારૂપી ધર્મની સાથે આજ્ઞારૂપી તપને પણ પૂર્ણ ભક્તિથી સેવે છે ત્યારે તેને લક્ષ આવે છે કે રાગ એ જ વૈષનું કારણ છે, અર્થાત્ સંસારી શાતા તથા તેની સ્પૃહા જ સર્વ અશાતાનું કારણ થાય છે. આ સમજણ જેમ જેમ સ્પષ્ટ થઈ વધતી જાય છે તેમ તેમ તેની સાંસારિક સ્પૃહા ઘટતી જાય છે. તેની સાથે સાથે સંસાર પ્રતિની તેની સુખબુદ્ધિ પણ તૂટતી જાય છે. એનાં ફળરૂપે તેને જ્ઞાનનો ઉઘાડ થતો જાય છે. આ ઉઘાડથી તેને સ્પષ્ટપણે સમજાય છે કે શાતાની સ્પૃહા કરવાથી હું અશાતાના વમળમાં ફસાઈ જઈશ; માટે મારે શાતાનો નકાર કરવો એ જ સુખી થવા માટેનો ઉત્તમ ઉપાય છે. શાતાના આ નકારને તે અશાતાના નકાર સાથે જોડે છે, અને પૂર્ણ લક્ષ તથા પ્રભુની આજ્ઞામાં રહીને હું આ કાર્યની સિદ્ધિ પૂર્ણતાએ અને વેગથી કરી શકીશ એવી દૃઢતા તેનામાં આવે છે. આ દઢતા થતાં તે અશાતાના તેમજ શાતાના નિમિતોને શ્રી પ્રભુની આજ્ઞાથી ધિક્કારતો થાય છે. આ પરથી નક્કી થાય છે કે એ જીવને મૂળથી જ સંસારનો નકાર થયો છે. આ સ્થિતિ અનુભવાતાં કૃપાળુદેવનાં નીચેનાં વચનોની યથાર્થતા જણાશે. ગૂઢાર્થ સમજાશે. “જગત આખું સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે. અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.” “ઝવેરાત અમને કાળકૂટ વિષ લાગે છે.”
આ પ્રકારનાં આજ્ઞાપાલનની સ્થિતિને શ્રી પ્રભુ ‘પૂર્ણ આજ્ઞા' તરીકે સમજાવે છે તથા બોધે છે. જીવ જેમ જેમ પૂર્ણ આજ્ઞાપાલન તરફ આગળ વધતો જાય છે તેમ તેમ તેનાં કર્મબંધના કારણો અલ્પ તથા શિથિલ થતાં જાય છે, અને જ્યારે તે સ્વચ્છંદથી વર્તતો રહે છે ત્યારે કર્મબંધનાં કારણો ઘટ્ટ તથા મજબૂત બનતાં જાય છે.
કર્મ બાંધવાના કુલ પાંચ કારણો શ્રી પ્રભુએ વર્ણવ્યાં છે, તે છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આમાનાં પહેલાં ચાર કારણો એ ઊતરતા ક્રમમાં ઘાતકર્મોને બાંધવાનાં કારણો છે, અને ચડતા ક્રમમાં અઘાતી કર્મોને બાંધવાનાં કારણો છે. યોગ એ ચાર કારણોને ગતિ આપવાના સાધનરૂપ છે, તેથી તે ઘાતી તથા અઘાતી કર્મ પ્રત્યે તટસ્થ હોય છે. આમ યોગના કારણથી અઘાતી કર્મ બાંધતી વખતે ઘાતકર્મનું ઘટત્વ થઈ શકે છે અને ઘાતકર્મ બાંધતી વખતે અઘાતી કર્મનું પણ ઘટત થઈ શકે છે. યોગ