________________
કેવળી પ્રભુનો સાથ
પરમાત્મસ્વરૂપ સુધી પહોંચાડનાર એવી કઈ સિદ્ધિ જીવને પ્રાપ્ત થાય છે? આ સિદ્ધિનું રહસ્ય પ્રભુ અને ૐની આજ્ઞામાં રહેલું છે, તેના ઉપયોગથી જીવ સ્વ સાથેના ભેદનો ત્યાગ કરી અભેદતા પામે છે. અભેદતા પામવાનો પુરુષાર્થ જીવ નિત્યનિગોદમાં રુચક પ્રદેશના ઉપજવાથી શરૂ કરી, મોક્ષપ્રાપ્તિ સુધી કર્યા કરે છે. આવો પુરુષાર્થ ન હોય ત્યારે સંસારનું પરિભ્રમણ વધતું જાય છે. આ પુરુષાર્થ છે, ‘આણાએ ધમ્મો અને આણાએ તવો' નું આરાધન. ઊંડાણથી તથા સ્થિરપરિણામથી વિચારતાં સમજાય છે કે નિત્યનિગોદમાં જીવને રુચક પ્રદેશની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે તે કોઈક અપેક્ષાથી એક સમય માટે આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપમાં પ્રવર્તે છે. જો આમ ન હોય તો, સર્વ શક્તિમાન શ્રી તીર્થંકર પ્રભુ પોતાના ઉત્તમ કલ્યાણભાવને આધારે નિત્યનિગોદમાં રહેલા સર્વ જીવના પ્રદેશોને રુચક કરી દેત.
શ્રી તીર્થંકર પ્રભુની આવી શુદ્ધ કલ્યાણભાવ તથા પ્રેમભાવથી નીતરતી વીતરાગતા સર્વ જીવ પ્રત્યે સમાન પ્રેમભાવ રાખે છે, એટલું જ નહિ તેઓ સર્વનું કલ્યાણ કરવાની સમર્થતા પણ ધરાવે છે, જેના થકી તેઓ સર્વ જીવને રુચક પ્રદેશોની ભેટ આપી શકે તેમ છે; તેમ છતાં શા માટે નિત્યનિગોદના અમુક જ જીવોના પ્રદેશો રુચક થાય છે, તે ખૂબ વિચારણીય છે. આ વિશે વિચારતાં શ્રી પ્રભુની અસીમ કૃપાથી લક્ષ આવે છે કે જીવને આત્મપ્રદેશની રુચકતા મળવા માટે શ્રી તીર્થંકર પ્રભુનું નિમિત્ત હોવા ઉપરાંત તેના વ્યક્તિગત પુરુષાર્થ ઉપર પણ ઘણો મોટો મદાર રહેલો છે. નિત્યનિગોદમાં મિથ્યાત્વ તથા રૌદ્રધ્યાનથી સતત લદાયેલો જીવ જ્યારે માત્ર એક સમય માટે આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપનું આરાધન કરે છે, અર્થાત્ એક સમય માટે તે જીવ અપેક્ષાએ ઉત્તમ સંવર તથા નિર્જરા કરી શકે છે, ત્યારે તે જીવ તે સમયે મહાસંવ૨ના માર્ગનો ઉપયોગ કરી, પોતાના એક આત્મપ્રદેશને પૂર્ણ આજ્ઞામાં પરોવી, શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી રુચક બનાવે છે. તેનો એ પ્રદેશ કાળે કરીને સર્વ કર્મ પરમાણુઓ રહિત બની નિત્યનિગોદમાંથી બહાર નીકળતાં પહેલાં શ્રી સિદ્ધ ભગવાનના શુદ્ધ પ્રદેશ સમાન શુદ્ધ બને છે.
૮૨