________________
કેવળી પ્રભુનો સાથ
સંયમ અને તપ દ્વારા આત્મા પર વિજય મેળવી સુખી થાઉં. તેમાં ગુરુની આ શિક્ષા મને સહાયરૂપ છે. આવો વિચાર કરીને તે એકાંતમાં પણ વાણીથી અથવા કર્મથી ક્યારેય ગુરુથી પ્રતિકૂળ આચરણ કરતો નથી. કદાચિત્ કોઈ અભદ્ર વ્યવહારથી ગુરુ અપ્રસન્ન થયા હોય તો ક્ષમાયાચના કરી, પ્રીતિવચન કહી તેને પ્રસન્ન કરે અને પોતે ફરીથી ક્યારેય આવું વર્તન નહિ કરે એમ તે ગુરુને જણાવે. અને ગુરુના સંકેત માત્રથી પાપકર્મ કે ખોટા આચરણને તે ત્યાગી દે છે. એ દ્વારા તે આત્માની શાંતિ તથા શુદ્ધિ મેળવતો જાય છે.
ગુરુનાં મનને અનુકૂળ થઈ ચાલવાવાળો શિષ્ય કુપિત થયેલા ગુરુને પણ પોતાની કાર્યપટુતાથી ત્વરિત પ્રસન્ન કરી દે છે. તે વગર પૂછયે બકબક કરતો નથી, પૂછે તો અસત્ય કહેતો નથી, ક્રોધ કરતો નથી અને જો ક્યારેક ક્રોધ આવી જાય તો તેને આગળ વધવા ન દેતાં ત્યાં જ તેને શાંત કરી દે છે, તે નિશ્ચયાત્મક ભાષા બોલે નહિ, સંશયાદિ દોષો ત્યાગતો જાય, માયાનો પરિત્યાગ કરતો જાય, અને તે પોતા માટે કે અન્ય માટે પાપકારી ભાષા વાપરે નહિ, મર્મભેદક વચનો કહે નહિ, તે ક્ષમા અને ચિત્ત વિશુદ્ધ કરવાવાળા ગુરુની આજ્ઞાઓને હિતકર માને અને પોતા માટે ગુરુની પ્રસન્નતા સતત જળવાઈ રહે તેવો પુરુષાર્થ કરે.
ગુરુ માટે તેને પૂજ્યભાવ, અહોભાવ તથા વિનયભાવ રહેતા હોવાથી તે ગુરુ પ્રતિ શિષ્ટતાથી વર્તે છે; બેસવામાં, ગુરુ સામે ઊભા રહેવામાં, પ્રશ્નોના ઉત્તર આપતી વખતે કે પ્રશ્નો પૂછતી વખતે અને તેમના આદેશને અનુસરતી વખતે તે યત્નાપૂર્વક સાવધાનીથી વર્તે છે.
આવા વિનિત શિષ્યને ગુરુ સૂત્ર, અર્થ અને માર્ગનાં રહસ્યોની યથાશ્રુત સમજણ આપે છે. શિષ્ય તે ત્વરાથી ગ્રહણ કરી શકે છે. એ વિનયી શિષ્ય તેની વિનમ્રતાને કારણે લોકમાં કીર્તિ પામે છે. તેને ગુરુ પાસેથી અર્થગંભીર વિપુલ શ્રુતજ્ઞાનનો લાભ થાય છે. પરિણામે તે શિષ્ય સમય આવ્યે ધર્માચરણ કરવાવાળા માટે આધારરૂપ થાય છે. અને સ્વાર કલ્યાણ કરનાર ઉત્તમ ગુરુ થવા સમર્થ બને છે.
૬