________________
કેવળી પ્રભુનો સાથ
સિદ્ધિ અને પ્રસિદ્ધિનો મોહ હોય તો તેનું આત્મસિદ્ધિનું કાર્ય કઠણ બની જાય છે. અહીં સમ્યક્રચારિત્રની આરાધના કરી સમ્યકજ્ઞાન અને સમ્યકદર્શન મેળવવાનો શિરસ્તો બને છે, જે ખૂબ લાંબો અને કઠણ માર્ગ કહી શકાય કારણ કે સાચા શ્રધ્ધાન અને સમજણ વિના સાચું ચારિત્ર પાળવું ખૂબ
મુશ્કેલ છે. તેને કહી શકાય યોગમાર્ગ. આ ત્રણે વિભાગને આપણે ચાલુ ભાષામાં ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ તરીકે ઓળખીએ છીએ. તેમાં દર્શન, જ્ઞાન તથા ચારિત્રનું આરાધન થાય છે.
આ ત્રણે માર્ગમાં પહેલો ‘ભક્તિમાર્ગ' એ ઉત્તમોત્તમ છે, કારણ કે એ માર્ગમાં પ્રથમ પગલે જીવ માનનો છેદ કરી શકે છે, મનુષ્યજીવનમાં વિકાસ કાર્યમાં સહુથી વિશેષ અવરોધ કરનાર માન કષાય જ છે. તે ક્ષીણ થતાં આત્મશુદ્ધિ કરવી સુલભ થાય છે. જ્યારે જ્યારે જીવનાં ક્ષમાપના અને મંત્રસ્મરણ મંદ થાય છે ત્યારે ત્યારે એ ફરીથી પ્રાર્થનાનો આશ્રય લઈ બળવાન થઈ જાય છે. આ પ્રક્રિયાથી મનુષ્ય જીવનમાં સૌથી વિશેષ બળવાન એવા માન કષાયને જીવ કાબૂમાં રાખે છે, અને સહજતાથી અપ્રમાદી થઈ શકે છે. બીજી બાજુ આ માર્ગમાં જીવ સતત ઉત્તમનો સાથ માગ્યા કરે છે, એટલે તેને સતત પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં ઉત્તમ પરમાણુઓનો સાથ મળ્યા કરે છે. આ પરમાણુઓના સાથને લીધે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનો સંગમ શુધ્ધ થતો જાય છે. આજ કારણથી જિનદીક્ષામાં અન્નગ્રહણ તેની પ્રાર્થના કરીને જ કરવાની આજ્ઞા છે. તેનો સૂક્ષ્મ ભાવાર્થ એ છે કે જેમ અપ્રમાદી થવા માટે અન્ન પણ પ્રાથને જ ગ્રહણ કરવાનું છે તેમ, પરમાણુઓ પણ પ્રાર્થના દ્વારા જ ગ્રહણ કરવા જોઈએ. આમ કરવાથી અપ્રમાદી આત્મા જે પરમાણુઓ ગ્રહણ કરે છે, એ માત્ર પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણકારી પરમાણુઓ પૂર્ણ આજ્ઞાના ગુંજનથી કરે છે. એ દ્વારા સાધુ-સાધ્વી આદિ આરાધકોને જિન પ્રભુ એ બોધ આપે છે કે પંચમહાવ્રતનું યથાર્થ પાલન જીવ અપ્રમાદી રહીને અને વિનયી બની પ્રાર્થનાના સાધનથી સહેલાઈથી કરી શકે છે.