________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
ઉપયોગને અલ્પાતિઅલ્પ સંખ્યા સુધી લઈ જવામાં પંચપરમેષ્ટિ આજ્ઞા કવચનું મહત્વનું અને અનન્ય સ્થાન છે.
આપણને વિચાર આવે કે શ્રેણિમાં જીવ અરિહંતના મહિમાને સૌથી પહેલાં શા માટે ઓળખે છે? શા માટે તેને જલદીથી માણી શકે છે ? પ્રત્યેક આત્માના પહેલા સાત પ્રદેશ શુધ્ધ કરવામાં શ્રી અરિહંત પ્રભુનો ફાળો મુખ્ય છે અર્થાત્ તેમના જ કલ્યાણકોના નિમિત્તથી નિત્યનિગોદમાં રહેલા જીવના પ્રથમ સાત પ્રદેશો નિરાવરણ થાય છે. આઠમો પ્રદેશ સિદ્ધ થતા પ્રભુનાં નિમિત્તથી નિરાવરણ થાય છે. વળી અંતરવૃત્તિ સ્પર્શ કરાવવામાં પણ મુખ્ય કાર્ય શ્રી અરિહંતનું જ હોય છે, તેમનાં નિમિત્તથી જ જીવ પહેલવહેલી વાર એક સમય માટે મિથ્યાત્વ બાંધતો નથી એટલું જ નહિ તે સમયે દેહ તથા આત્માની ભિન્નતાનો અનુભવ કરે છે. શ્રી તીર્થંકર પ્રભુએ કરેલા આ ઉપકારનો ખૂબ ઊંડો પ્રભાવ આત્મા ૫૨ અંકિત થયો હોય છે. વળી શ્રી અરિહંત પ્રભુના આત્માએ છદ્મસ્થ અવસ્થામાં જીવ સમસ્તના કલ્યાણના ભાવ મોહરહિતપણે અને સ્વયંપ્રેરિત કર્યા હોય છે એટલે જ્યારે કોઈ છદ્મસ્થ જીવ મોહનો નાશ કરવા ઇચ્છે છે ત્યારે તેને અરિહંતના સાથની અપૂર્વતા અને પુરુષાર્થની સમાનતા વેદાય છે, જેને કારણે અરિહંતનો સાથ એને માર્ગ દેખાડનાર ભોમિયો બને છે.
શ્રી અરિહંત પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તેમાં રહેલી આજ્ઞાનું સૂક્ષ્મ રહસ્ય જાણીએ તો સમજાય છે કે અરિહંત પ્રભુ માર્ગ બતાવે છે અને અન્ય ત્રણ છદ્મસ્થ પરમેષ્ટિ એ આજ્ઞાને પાળે છે. આમ અરિહંત ભગવાન આજ્ઞારૂપી મહામાર્ગને કર્મ સામે વિજયી થવા માટે ગતિ તથા સ્થિતિ આપે છે, અને અન્ય પરમેષ્ટિ એ ગતિને અવધારી પોતાનાં ચારિત્રમાં ફોરવે છે. આ કાર્ય દ્વારા તેઓ ઘાતિકર્મને કાપવા આજ્ઞામાર્ગને જથ્થો આપે છે. આ માર્ગને ગતિ કે સ્થિતિ અરિહંત સિવાય કોઈ આપી શકતું નથી, કારણ કે અરિહંતપ્રભુ એ માર્ગને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને અનુલક્ષીને – પાંચ સમવાય અનુસાર છદ્મસ્થ આત્માના સમૂહ પુરુષાર્થને લક્ષમાં લઈને બોધે છે. આ માર્ગ એવો અપૂર્વ છે કે તેમાં પ્રભુ દેશકાલીન સિદ્ધાંતોને પાંચ સમવાયની તરતમતા અનુસાર બોધે છે, કે જેથી આજ્ઞામાર્ગ કર્મક્ષય માટે ટૂંકામાં ટૂંકો માર્ગ બની જાય.
૩૭