________________
કેવળી પ્રભુનો સાથ
કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રાપ્ત કર્યા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. અર્થાત્ ચતુર્વિધ સંઘની સ્થાપના આજ્ઞામાં જ રહીને અને આજ્ઞાથી જ થાય છે. આ સંઘમાં મુખ્યતાએ છદ્મસ્થ જીવો જ હોય છે. સંઘ સ્થાપનાનો મુખ્ય હેતુ છે છદ્મસ્થ જીવોને પ્રમાદના જોરથી છોડાવી આજ્ઞાધર્મમાં સ્થાપવાનો.
શ્રી ચતુર્વિધ સંઘના પ્રણેતા શ્રી અરિહંત પ્રભુ અગ્રસ્થાને છે. તેમની સાથે શ્રી કેવળી ભગવંતનો પણ સમાવેશ થાય છે. તેઓ બંનેએ લગભગ પૂર્ણતાએ પ્રમાદનો ક્ષય કર્યો છે, અને આજ્ઞારૂપી ધર્મનો અનુભવ કર્યો છે. એમના પછીની કક્ષામાં આવે આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુસાધ્વીજી અને શ્રાવક શ્રાવિકાઓ. આ બધા જીવો છદ્મસ્થ અવસ્થાએ છે અને આજ્ઞારૂપ ધર્મ તથા પ્રમાદરૂપ અધર્મ વચ્ચે પાંચ સમવાયના બંધનથી ઝોલાં ખાય છે. જે સાધુસાધ્વીઓ અંતરંગથી જિનેશ્વર પ્રણીત આજ્ઞામાર્ગને સર્વ અપેક્ષાએ સમ્મત કરી, છઠ્ઠા ગુણસ્થાને રહે છે તેમને સંઘમાં સ્થાન છે, અન્ય સાધુસાધ્વી સંઘની બહાર કહેવાય છે. એ જ રીતે શ્રાવક શ્રાવિકા ચોથા પાંચમા ગુણસ્થાનથી સંઘમાં સ્થાન પામે છે. તે પહેલાં જૈનકુળમાં જન્મ્યા હોય કે જૈન ધર્મ પાળતા હોય છતાં સંઘની બહાર છે.
જે જીવોને છઠ્ઠા ગુણસ્થાને પોતાના સદ્ગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા વધતાં જાય છે, તે જીવો સદ્ગુરુના આત્મા દ્વારા પંચપરમેષ્ટિ ભગવંત પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા કેળવે છે. આ અપૂર્વ ભાવને લીધે જીવનો સ્વચ્છંદ પીગળે છે અને તેને અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની કષાયોને દબાવવાની શક્તિ મળે છે. એ સાથે તેને પરમ આજ્ઞાનું વરદાન મળે છે કે જો આ સ્થિતિ તેને મિથ્યાત્વના ક્ષય પછીથી મળી હોય તો તે સ્થિતિ તેની અક્ષય થાય છે. એટલે કે તે જીવ હવે છઠ્ઠા ગુણસ્થાનથી ક્યારેય નીચે નહિ જાય તે નિશ્ચિત થાય છે. આ અક્ષય સ્થિતિને પોષણ આપનાર શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પરમ સાથની અને પરમ આજ્ઞાની આવા જીવને સતત જરૂર પડે છે કે જેથી તેના શેષ શત્રુઓ પ્રમાદ, કષાય અને યોગને હરાવવા તેનો આત્મા કાર્યશીલ રહે. આ સાથ અને આજ્ઞા જીવને સતત મળતા રહે તે માટે શ્રી જિનેશ્વરદેવે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હોય છે.
૪૦