________________
કેવળી પ્રભુનો સાથ
સંસારમાં આત્માના અપૂર્વ સ્વભાવને ભૂલી, આત્માના ગુણોનું વિસ્મરણ કરી, સંસાર, શરીર આદિ પૌદ્ગલિક પ્રપંચને પોતાના ગણી, રુપી પદાર્થના ગુણધર્મને અરુપી પદાર્થના ગુણધર્મરૂપ સમજી, પ્રમાદવશાત્ આ સંસારમાં અનંત કાળચક્રથી જન્મમરણનાં દુઃખમાં સબડી રહ્યો છે. અનાદિકાળથી ચાલતી આવેલી આ ટેવ જીવમાં એવી ભરાઇ બેઠી છે કે આત્મિક પ્રદેશો પોતાનું સ્વાધીન સુખ છોડી પોતા પર લાદેલા પુદ્ગલના સુખરૂપ પ્રમાદમાં સુખ માની રહ્યા છે.
જ્ઞાનીઓ કહે છે કે આજ્ઞાનો જ્યાં વાસ હોય ત્યાં પ્રમાદ પ્રમાદી બને છે. પ્રમાદનો સામાન્ય અર્થ છે કે જીવનું સંસારી પ્રસંગોમાં ઉત્સાહી અને આત્માના ગુણસ્વભાવના અનુભવમાં અનુદ્યમી રહેવું. પરંતુ આપણે આ પ્રમાદને બે રીતે વિચારી શકીએ. (૧) મુખ્યતાએ ઉપ૨ કહ્યો તે અર્થ લઈ શકાય અને (૨) ગૌણતાએ સંસારના પ્રસંગોમાં પ્રમાદી રહેવું અને આત્માર્થે અપ્રમાદી રહેવું. જીવને અનાદિકાળથી પ્રમાદ કરવાની ટેવ પડી છે તેથી જ્ઞાનીજનો સલાહ આપે છે કે ‘જો તમારે પ્રમાદ કરવો જ છે, તો સંસારી પ્રવૃત્તિ પ્રત્યે કરો.' એટલે કે પ્રમાદ જેવા સંસારહેતુરૂપ ભાવને સંસાર કાપવારૂપ માર્ગમાં અર્થાત્ આજ્ઞારૂપ માર્ગમાં પરિણમાવો. ટૂંકામાં કહેવું હોય તો કહી શકાય કે પ્રમાદ એટલે ‘અનુદ્યમ’.
જીવને જ્યારે સંસારમાં દુઃખનો થાક લાગે છે અને તે સુખ માટે ફાંફા મારતો હોય છે ત્યારે એને પૂર્વપુણ્યના યોગથી સત્પુરુષ કે સદ્ગુરુનો મેળાપ થાય છે; અને તેમની પ્રીતિ થતાં, એ માર્ગે ચાલવાની તે ઇચ્છા કરે છે, તેને જ્ઞાનીજનો આત્મિક પુરુષાર્થ કહે છે. જે બીજી અપેક્ષાએ સંસાર પ્રતિનો જીવનો પ્રમાદ છે.
જીવ દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કર્યા પછી જ્યારે સ્વચ્છંદરૂપ શત્રુને સદ્ગુરુનાં શરણમાં મન, વચન અને કાયાથી છોડે છે ત્યારે તેને આત્મિક પ્રમાદ અંતરાય કરી શકે છે. એ વખતે એને આગળ વધવા માટે બે માર્ગ થાય છે –
૧. આજ્ઞારૂપી મહામાર્ગને પ્રાધાન્ય આપી જીવ પ્રમાદને તજે છે, આત્મિક પ્રમાદને ત્યાગી જીવ સંસારપ્રમાદ તથા પૌદગલિક પ્રમાદને આનુસંગિક ફળરૂપે વેદે છે.
૩૨