________________
૩ ૨
કાવ્યાનુશાસન કોઈ ખાસ પદ્ધતિ અથવા વ્યવસ્થા આચાર્ય ઉપસાવતા હોય તેવું જણાતું નથી. ઘણી વાર એક જ ફકરામાં, અથવા કહો કે, એક જ પંક્તિમાં પણ ક્યારેક, જુદા જુદા આધારોનું મિશ્રણ તેઓ કરી નાખે છે. અથવા ક્યારેક એક જ મૂળ સ્રોતની માહિતી અને નોંધ જુદે જુદે સ્થળે જેમ કે, અમુક અંશ અલંકારચૂડામણિમાં તો બાકીનો અંશ “વિવેક'માં પધરાવી દે છે. આ એમની કઈ વ્યવસ્થા છે તે લાખ પ્રયત્ન પણ પકડાતી નથી. વળી, વચ્ચે વચ્ચે ક્યારેક કોઈ ખાસ ચર્ચા દરમ્યાન આચાર્યશ્રી મુદ્દાને વધારાનાં ઉદાહરણોથી ખૂબ વિસ્તારે છે, અથવા મૂળનાં ઉદાહરણો ઉડાડી દઈને ચર્ચા સંક્ષિપ્ત કરી નાખે છે. જો કે, આ બધી વિગતોમાં તેમની શૈલીગત પ્રાસાદિકતા, અને વિચારોની સ્વચ્છતા, જે મહાન વિચારકોમાં પણ જવલ્લે જ દેખાય છે, તે એકસરખી રીતે સાચવતા રહે છે. અમુક વિચાર સ્પષ્ટ કરતાં તેઓ ઝીણામાં ઝીણી વિગત પણ નોંધવાનું ચૂકતા નથી. જે રીતે તેઓ પોતાના આધારગ્રંથોનો વિનિયોગ કરે છે અને પોતાને ગ્રાહ્ય પુરાવાઓ રજૂ કરે છે તથા પોતાની વિશિષ્ટ પ્રતિભાથી એક સુંદર કૃતિમાં ગૂંથે છે, તે એકદમ જ વિદ્વાનોમાં આદરપાત્ર બની જાય છે, અને કોઈ પણ ખૂણેથી પ્રશંસા પામે છે. પરિણામ એ છે કે તેઓ આપણને નવાં પાત્રોમાં જૂની સુરા અર્પિત કરે છે. આ કે તે અંશ આપણે અહીં ક્યાંક જોયો છે એવી છાપ સ્મૃતિપટ ઉપર જરૂર ઊપસે છે, પણ આ બધું એવી કુશળતાથી એકત્ર કરાયું છે કે જાણે નવી જ સુરાવલી સંભળાતી હોય તેવો અનુભવ થાય છે.
આપણે આ વિષયની ચર્ચામાં નીચે મુજબ આગળ વધીશું :
સહુ પ્રથમ આ ત્રણે સૂત્રો જે રસદોષનો વિચાર કરે છે તેનો કોરો સારાંશ ગ્રહણ કરીશું, જેથી હેમચન્દ્ર જે મુદ્દાની છણાવટ વિચારી છે તેનો ક્યાસ આવી જશે. તે પછી આપણે અલંકારચૂડામણિ અને વિવેકમાં સંગૃહીત વિગતોનો વિશેષ વિચાર કરીશું. એ વાત અહીં ફરી સ્પષ્ટ કરી લઈએ કે, ડૉ. કુલકર્ણી અને પ્રો. પરીખે આ કે તે મુદ્દાના સંદર્ભમાં આચાર્યના વિચારોને ઘાટ આપનાર મૂલસ્રોત ઓળખાવવા સ્તુત્ય પ્રયત્નો જરૂર કર્યા છે, છતાં ઘણાં સ્થળોએ તેમના પ્રયત્ન અપૂરતા જણાયા છે જેથી કાવ્યાનુશાસનમાં ઘણા અંશોના મૂળ સ્રોતને ઓળખી બતાવવાનું કાર્ય બાકી રહે છે. આપણે એ દિશામાં સમગ્ર દોષ વિચારમાં બનતો પ્રયત્ન કરીશું, ખાસ તો મહિમા તરફનું તેમનું ઋણ વિશેષ છે તે પણ ધ્યાનમાં આવશે. આ વિગત પદ, પદાર્થ વગેરેને લગતા દોષોના સંદર્ભમાં વધારે ચોખ્ખી રીતે ઊપસે છે. રસદોષની બાબતમાં આપણે ઉપર તેમના મૂળ આધારો નોંધ્યા છે તેના સંદર્ભમાં ચોકસાઈ કરી હેમચન્દ્રના પ્રદાનની આપણે પહેલાં નોંધ કરીશું. તે પછી પદગત, પદાર્થગત વગેરે દોષવિચાર ચકાસીશું.
કાવ્યાનુશાસન ૩/૧ (સળંગ સૂત્ર,૮૫) જણાવે છે કે, રસ વગેરે અંગે સ્વશબ્દ દ્વારા કથન સામાન્ય રીતે દોષરૂપ છે, ક્યારેક સંચારી ભાવના સ્વશબ્દકથનમાં દોષ નથી આવતો. “રસાદિ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org