________________
ભૂમિકા
૯૫
વગેરેનો વિનિયોગ “કાવ્યરસ'ના સંદર્ભમાં કરવાનું તેમનું શાસન છે. ટૂંકમાં “કાવ્યરસ' એ પાછળથી, ઉછીનો લઈને પ્રયુક્ત કરાયેલો વિચાર ન હતો. વાસ્તવમાં આ બન્ને કળાઓ સ્વતંત્રરૂપે સહજરૂપે વિકસી હશે. તેમની આનુપૂર્વી નક્કી કરી શકાય તેમ નથી. વાસ્તવમાં મોટો બાળક પોતાના નાના ભાઈ કે મિત્રને અરેબિયન નાઈટ્સની અલાદીનની વાર્તા કહેતો હોય ત્યારે નદીમાંથી મળેલા સીસામાંથી વાયુરૂપે રાક્ષસ બહાર નીકળ્યો અને પછી ઊંચો ને ઊંચો વધતો ગયો, આકાશ જેટલો, – વગેરે વિગતોનું વર્ણન થાય ત્યારે સ્વાભાવિક રીતે વર્ણનની સાથે થોડો અભિનય વણાઈ જાય. આમ વર્ણનકલા અને અભિનયકલા અને તેથી સાહિત્યમીમાંસા અને નાટ્યમીમાંસા એક સિક્કાની બે બાજુઓની માફક જોડાયેલી વિચારવી એ જ શ્રદ્ધેય વાત થઈ.
પરિણામે જે ભારતના પ્રધાનરૂપે નાટ્યશાસ્ત્રીય ગ્રંથમાં સાહિત્યશાસ્ત્રના મુદ્દા વણાયા છે, તે રીતે અનુગામી અલંકારિકો સાહિત્યમીમાંસા દરમ્યાન આંશિક રીતે નાટ્યમીમાંસા કરવાનું ટાળી ન શક્યા. પરિણામે આપણે જોઈએ છીએ કે, ઉપલબ્ધ સામગ્રીના સંદર્ભમાં વિચારતાં, આચાર્ય હેમચન્દ્રનું કાવ્યાનુશાસન આ દિશાનું મહત્ત્વનું પ્રસ્થાન બની રહે છે. અને પછી વિશ્વનાથે પણ એવો જ પ્રયોગ કર્યો. વિશ્વનાથે રસવિચારણાની સાથે સાથે જ વિભાવવિચારણાના સંદર્ભમાં નાયકાદિ વિચારણા વણી લીધી. આથી તેઓ “રીતિ’ વિશે એક સ્વતંત્ર (પરિચ્છેદ ) પ્રકરણ આપી શક્યા. છઠ્ઠા પરિચ્છેદમાં કાવ્યભેદોની ચર્ચામાં દશ્ય | શ્રવ્યભેદનો પાયાનો નિર્દેશ કરી તેમણે સમગ્ર દશ્યકાવ્યમીમાંસા – જેમાં રૂપક, ઉપરૂપક, વિચાર આવી જાય છે, – તેમણે કરી લીધી. હેમચન્દ્રની વ્યવસ્થા એક રીતે વધુ ઘટ્ટ અથવા સુસંબદ્ધ છે. કેમ કે તેમણે માત્ર આઠ અધ્યાયોમાં આ બન્ને મીમાંસાઓ સમાવી છે. વળી કવિશિક્ષા, કાવ્યાર્થહરણ તેના અંશ રૂપે – વગેરે પણ આવરી લીધા છે. પણ વિશ્વનાથની માફક તેઓ રીતિવિચાર સ્વતંત્ર રીતે કરતા નથી. કાવ્ય નાયક વગેરેથી ગૂંથાયેલું હોય છે. માટે નાયકવિચાર કરાયો છે. એવો તર્ક હેમચન્દ્ર સાતમા અધ્યાયની શરૂઆતમાં સૂચવે છે. પણ તેને સ્થાને રસવિચારના અંગરૂપે વિભાવવિચારણામાં આલંબનવિભાવરૂપે નાયક | નાયિકા વિચાર આવરી લેવાની વિશ્વનાથની વ્યવસ્થા વધુ તર્કસંગત લાગે છે. વિશ્વનાથે છઠ્ઠા પરિચ્છેદમાં કાવ્યનો સ્વરૂપલક્ષી વિચાર હાથ ધરીને દશ્ય | શ્રવ્યભેદ પાડી સમગ્ર રૂપવિચાર તેમાં સમાવ્યો છે. તેવું જ આચાર્યશ્રીએ આઠમા અધ્યાયમાં કર્યું છે. બન્ને આલંકારિકો એ વિગતથી સુજાણ છે કે, કાવ્યના ધ્વનિ, ગુણીભૂતવ્યંગ્ય અને ચિત્ર એવા પ્રકારો, જેના સંદર્ભમાં મમ્મથી આરંભીને ઉત્તમ, મધ્યમ, અને અવર એવા કાવ્યભેદો પ્રચલિત કરાયા તે વિવેચનલક્ષી વર્ગીકરણ છે, નહિ કે સ્વરૂપલક્ષી; આથી જ કાવ્યભેદની એ વિવેચનલક્ષી ચર્ચામાં દશ્ય | શ્રવ્ય વગેરે ભેદ આ વિદ્વાન આલંકારિકોએ ગણાવ્યા નથી. રુદ્રટ, ભોજ વગેરેએ પણ નાયકાદિ વિચાર તથા રૂપકવિચાર પોતાની રીતે કર્યો જ છે.
અધ્યાય ૭માં હેમચન્દ્ર આરંભમાં નોંધે છે કે, કાવ્ય નાયક વગેરેથી પ્રતિબદ્ધ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org