________________
૩૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૨
ગુણ આકાશમાં સદા રહે છે અને કાળનો વર્તવાહેતુત્વ ગુણ=પદાર્થને પરિવર્તન કરવાનો હેતુ કાળ હોવાથી વર્તવાહેતુત્વ ગુણ, કાળમાં સદા રહે છે. માટે યાવદ્રવ્યભાવી ધર્મ ગુણ છે.
આ રીતે દ્રવ્યની સાથે સહભાવી રહેલો ધર્મ ગુણ છે તે છએ દ્રવ્યમાં બતાવ્યું. હવે પર્યાયનું લક્ષણ કહે છે –
ક્રમભાવી કહેતાં અયાવદ્રવ્યભાવી જે ધર્મ હોય તે પર્યાય કહીએ દ્રવ્ય કરતાં અલ્પકાળભાવી રહેનારો એવો જે ધર્મ તે પર્યાય કહીએ.
જેમ જીવતો નર-નારકાદિ ધર્મ અયાવદ્રવ્યભાવી છે, માટે જીવદ્રવ્યનો પર્યાય છે. પુદ્ગલના રૂપરસાદિકની પરાવૃત્તિ પુદ્ગલના શ્વેત, શ્યામ આદિ રૂપની પરાવૃત્તિ અને મધુર, કટુ આદિ રસની પરાવૃત્તિ, અયાવદ્રવ્યભાવી છે, માટે પુદ્ગલનો પર્યાય છે.
એમ=ગાથા-૧માં દ્રવ્યનું લક્ષણ બતાવ્યું અને ગાથા-રમાં અત્યારસુધી ગુણ અને પર્યાયનું લક્ષણ બતાવ્યું એમ, દ્રવ્યાદિક ત્રણ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ, લક્ષણથી ભિન્ન છે. વળી, દ્રવ્યાદિક ત્રણ પ્રદેશના અવિભાગથી અભિન્ન છે દ્રવ્ય, ગુણ અને પર્યાય એક વસ્તુમાં ભિન્ન સ્થાને રહેતા નથી પરંતુ વસ્તુમાં સંપૂર્ણપણે વ્યાપીને રહે છે. તેથી પ્રદેશના અવિભાગથી દ્રવ્ય, ગુણ અને પર્યાય અભિન્ન છે.
વળી, ત્રિવિધ છે=દરેક પદાર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ સ્વરૂપ છે. ઉપચારથી નવવિધ છે એક એકમાં ત્રણ ભેદ આવે, માટે નવવિધ છે અર્થાત્ દ્રવ્યમાં દ્રવ્યનો, ગુણનો અને પર્યાયનો ઉપચાર; ગુણમાં દ્રવ્યનો, ગુણનો અને પર્યાયનો ઉપચાર; પર્યાયમાં દ્રવ્યનો, ગુણનો અને પર્યાયનો ઉપચાર, એ પ્રમાણે ઉપચારથી નવવિધ છે.
વળી, ત્રિલક્ષણ છે=દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્ય એ રૂપ ત્રણ લક્ષણવાળા છે, એમ જૈન દૃષ્ટિથી પ્રાપ્ત થાય છે.
એ દ્વારરૂપ પદ જાણવાંકદરેક પદાર્થ ભિન્નભિન્ન, ત્રિવિધ અને ત્રણ લક્ષણવાળો છે એ ત્રણ પદ દ્વારરૂપ જાણવાં. 1ર/રા ભાવાર્થ
પ્રથમ ગાથામાં દ્રવ્યનું લક્ષણ કર્યું. હવે ગુણનું અને પર્યાયનું લક્ષણ કરે છે. દ્રવ્યમાં રહેલો જે ધર્મ દ્રવ્ય સાથે સદા રહેતો હોય તે ધર્મને ગુણ કહેવાય અને જીવાદિ છ દ્રવ્યોને આશ્રયીને રહેનારા છ ગુણને પ્રસ્તુત ગાથાના ટબામાં ગ્રંથકારશ્રીએ બતાવ્યા છે.
જીવ સદા ઉપયોગલક્ષણવાળો છે. આથી સંસારઅવસ્થામાં પણ ઉપયોગ વગરનો જીવ નથી અને સિદ્ધાવસ્થામાં પણ ઉપયોગ વગરનો જીવ નથી. પરંતુ સદા જ્ઞાન, દર્શનાદિના ઉપયોગવાળો જીવ છે. માટે ઉપયોગ એ જીવનો ગુણ છે.