________________
પ૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૧ પર્યાય આત્માને અનેક કરે છે. વળી, ગુણ શબ્દની વ્યુત્પત્તિ છે કે આત્માને ગુણન કરે=અનેક કરે. આથી એક સમયમાં વર્તતા આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિર્ય આદિ ભાવોને લઈને આત્મા અનેક બને છે અને તે જ્ઞાન, દર્શન આદિ ભાવોને ગુણરૂપે વિવક્ષા કરવામાં આવે છે; કેમ કે જ્ઞાન-દર્શન આદિ ભાવો આત્મામાં યાવદ્રવ્યભાવી છે. છતાં જેમ પર્યાયનું લક્ષણ ક્રમભાવીપણું છે, તેમ અનેકકરણ પણ પર્યાયનું લક્ષણ છે. તેથી એક આત્મા જ્ઞાન, દર્શન આદિ ભાવોથી અનેક બને છે. તેથી જ્ઞાન, દર્શનાદિ ભાવો પણ આત્માના પર્યાયો જ છે અને આત્મદ્રવ્ય તો એક જ છે, પરંતુ ગુણની જેમ આત્મદ્રવ્ય અનેક નથી કે પર્યાયની જેમ ક્રમસર થનાર નથી, અને એક આત્મદ્રવ્યને જ્ઞાન, દર્શન આદિ ભાવો અનેકરૂપ કરે છે તે આત્માના પર્યાયો જ છે, પણ તેને ગુણ કહેવાય નહીં. અર્થાત્ જ્ઞાન, દર્શનાદિ ભાવોને આત્માના ગુણ કહેવાય નહીં.
અહીં પ્રશ્ન થાય કે, આત્માના જ્ઞાન, દર્શનાદિ ભાવો આત્મામાં યાવદ્રવ્યભાવી છે, માટે તેને ગુણ કેમ ન કહેવાય? તેથી કહે છે, જે માટે ભગવાનની દેશના દ્રવ્ય અને પર્યાયની છે, પણ દ્રવ્ય અને ગુણની નથી. માટે “પર્યાયથી પૃથક ગુણ છે' એમ કહેવાય નહીં; કેમ કે ગુણ એ પર્યાયનો જ પર્યાયવાચી શબ્દ છે, એ પ્રમાણે સમ્મતિગ્રંથ કહે છે.
પૂર્વમાં શાસ્ત્રની સાક્ષીથી સ્થાપન કર્યું કે, પર્યાયથી પૃથફ એવો ગુણ નથી. માટે ગુણના પર્યાય દિગંબરો સ્વીકારે છે તે ઉચિત નથી. ત્યાં કોઈ શંકા કરતાં કહે છે: જો આ રીતે પર્યાયથી ભિન્ન કોઈ ગુણ ન હોય તો તમે પ્રસ્તુત ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણ નામો કેમ કહો છો ? ખરેખર, દ્રવ્ય અને પર્યાય એમ જ કહેવું જોઈએ, તેને કહે છે –
વિવક્ષાએ કરીને ભેદનયની કલ્પના છે.
આશય એ છે કે જીવને માર્ગાનુસારી બોધ કરાવવા અર્થે વિવલાથી ગુણનો પર્યાયથી ભેદ કરેલ છે; કેમ કે જો ગુણનો પર્યાયથી ભેદ કરીને બતાવવામાં ન આવે તો જીવદ્રવ્યના કયા ગુણો છે ? અજીવદ્રવ્યના કયા ગુણો છે ? અને કર્મથી રહિત શુદ્ધ આત્મદ્રવ્યના ક્યા ગુણો છે ? તેનો બોધ થાય નહીં અને કર્મથી રહિત શુદ્ધ આત્મદ્રવ્યના ગુણોનો બોધ થાય તો તે ગુણોનું પ્રતિસંધાન કરીને તેને પ્રગટ કરવા અર્થે જીવ ઉદ્યમ કરી શકે. તેથી પર્યાયથી ગુણ પૃથફ નહીં હોવા છતાં યાવદ્રવ્યભાવી ગુણો જ અયાવદ્રવ્યભાવી પર્યાયો છે, એમ બતાવીને અન્ય પર્યાયો કરતાં ગુણો જુદા છે તેમ ભેદનયની કલ્પના કરે છે. તેથી જેમ “તેલની ધારા”—ત્યાં તેલ અને ધારા ભિન્ન બતાવવામાં આવે છે, પણ તેલરૂપ જ ધારા છે, તેલથી ભિન્ન ધારા નથી. તેમ સહભાવી ગુણ છે=જીવાદિ દ્રવ્ય સાથે સદા રહેનારા ગુણો છે અને ક્રમભાવી પર્યાયો છે. એ રીતે ગુણ અને પર્યાય ભિન્ન કરીને દેખાડ્યા છે. પણ પરમાર્થથી ગુણ અને પર્યાય ભિન્ન નથી. તેથી એ ફલિત થાય કે, આત્મદ્રવ્યમાં ભિન્ન ભિન્ન જ્ઞાનની પરિણતિરૂપ જે ધારા ચાલે છે, તે ધારારૂપ જ જ્ઞાનગુણ છે અને તે ભિન્ન ભિન્ન જ્ઞાનની પરિણતિને પર્યાય કહેવાય અને તે ભિન્ન ભિન્ન જ્ઞાનની પરિણતિથી પૃથભૂત એવું કોઈ જ્ઞાન નથી, પરંતુ તે ભિન્ન ભિન્ન જ્ઞાનની પરિણતિની ધારા સ્વરૂપ જ જ્ઞાન છે.