________________
૩૧૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૨ ધ્રુવપણું પ્રત્યક્ષથી પ્રતીત થાય છે અને દેખાતા ઘટપટાદિ વસ્તુમાં પ્રતિસમય ઉત્પાદ, વ્યય, ધ્રુવપણું પ્રત્યક્ષથી દેખાય છે તેમ છએ દ્રવ્યોમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવપણારૂપ ત્રણે લક્ષણોનો સમયસમયનો પરિણામ છે એમ માનવું જોઈએ.
અહીં કોઈ કહે છે કે ઉત્પાદ અને વ્યય એક સ્થાનમાં સ્વીકારી શકાય; કેમ કે કોઈ વસ્તુનો ઉત્પાદ થાય છે ત્યારે તેની પૂર્વ અવસ્થાનો વ્યય પ્રાપ્ત થાય છે પરંતુ જ્યાં ઉત્પાદ, વ્યય હોય ત્યાં ધ્રુવપણું સ્વીકારી શકાય નહીં. જેમ, દીપકલિકામાં પૂર્વની દીપકલિકા નાશ પામે છે ત્યારે જ નવી દીપકલિકા દેખાય છે પરંતુ તે નવી દીપકલિકાના ઉત્પાદ વખતે જેમ પૂર્વની દીપકલિકાનો વ્યય દેખાય છે તેમ ધ્રુવપણું દેખાતું નથી. વળી, જ્યાં ધ્રુવપણું હોય ત્યાં ઉત્પાદ, વ્યય દેખાતા નથી. જેમ, આકાશમાં ધ્રુવપણું દેખાય છે ત્યાં કોઈ પ્રકારનો વ્યય કે કોઈ પ્રકારનો ઉત્પાદ દેખાતો નથી. માટે ધ્રુવપણું હોય ત્યાં ઉત્પાદ, વ્યય હોઈ શકે નહીં એવો વિરોધ છે માટે, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એક સ્થાનમાં કેમ હોઈ શકે ? અર્થાતું હોઈ શકે નહીં. તેથી એક સ્થાનમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સંભવે નહીં. આ પ્રકારના વચનનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
પાણીમાં શીતસ્પર્શ છે, અગ્નિમાં ઉષ્ણસ્પર્શ છે. તે બંને સ્પર્શ એક જ વસ્તુમાં ક્યાંય દેખાતા નથી; કેમ કે પાણીમાં શીતસ્પર્શ હોય ત્યારે ઉષ્ણસ્પર્શ હોઈ શકે નહીં અને અગ્નિમાં ઉષ્ણસ્પર્શ હોય ત્યારે શીતસ્પર્શ હોઈ શકે નહીં. આમ છતાં કોઈક એક સ્થાનમાં શીતસ્પર્શ છે અને ઉષ્ણસ્પર્શ છે એમ કહેવામાં આવે તો વિરોધ કહેવાય; કેમ કે પ્રત્યક્ષ અનુભવથી શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ એક સ્થાનમાં રહેતા નથી તેમ દેખાય છે જ્યારે છએ દ્રવ્યોમાં તો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રણે લક્ષણો એક જ સ્થાનમાં પ્રત્યક્ષથી દેખાય છે, પરંતુ કોઈ સ્થાનમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ-એ બંને પરસ્પરના પરિહારથી પ્રત્યક્ષથી સિદ્ધ નથી માટે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ વચ્ચે વિરોધનું સ્થાન હોઈ શકે નહીં.
અહીં પ્રશ્ન થાય કે, જૈનદર્શન સિવાય અન્ય દર્શનવાળા ઉત્પાદ, વ્યય સાથે ધ્રુવનો પરસ્પર વિરોધ સ્વીકારે છે તેથી તેઓને દરેક પદાર્થમાં એક સ્થાને ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણે કેમ દેખાતા નથી ? આથી જ દીપકલિકાના દષ્ટાંતથી બૌદ્ધ દર્શનવાળા ઉત્પાદ, વ્યયની સિદ્ધિ કરે છે અને તેના દ્વારા સર્વ પદાર્થો એકાંત ક્ષણિક છે તેમ સ્થાપન કરે છે. વળી, નૈયાયિકને આકાશ ધ્રુવ દેખાય છે અને તેના દૃષ્ટાંતથી આત્મા અને પરમાણુને એકાંત ધ્રુવ સ્થાપન કરે છે માટે સર્વત્ર ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણે એકસાથે રહેલા છે એમ પ્રત્યક્ષથી દેખાય છે તેમ કેમ કહી શકાય ? તેના ઉત્તરરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
અનાદિકાળથી જીવમાં એકાંતવાસના છે અને તે એકાંતની વાસનાથી જીવ ઉત્પાદ, વ્યયનો ધ્રુવ સાથે વિરોધ જાણે છે પણ પરમાર્થથી વિચારી જોતાં ધ્રુવ સાથે વિરોધ નથી. તેથી એકાંતવાદી એવાં બૌદ્ધ દર્શનવાળા એકાંત વાસનાથી મોહિત થઈને સર્વ પદાર્થોને ઉત્પાદ-વ્યયરૂપ સ્વીકારે છે. વળી, એકાંતવાસનાથી મોહિત થઈને તૈયાયિકો આકાશાદિ પદાર્થોને ધ્રુવ કહે છે. પરમાર્થથી પદાર્થનું સ્વરૂપ વિચારવામાં આવે તો ઉત્પાદ, વ્યય, ધ્રુવને એક સ્થાનમાં વિરોધ નથી; કેમ કે “ઉત્પાદ, વ્યય, ધૃવરૂપ ત્રણે ભાવો સમનિયત એક સ્થાનમાં જણાય છે” એ બોધ જ વિરોધનો ભંજક છે.