________________
૩પ૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૩ જે નાશ થાય છે તે પણ ઋજુસૂત્રનયથી અનુગૃહીત દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી બીજી આદિ ક્ષણમાં અનુવૃત્તિ પામે છે. તેથી બીજી આદિ ક્ષણમાં પણ નાશનો વ્યવહાર થાય છે અને ક્ષણના અંતર્ભાવથી ઘટની ઉત્પત્તિમાં પ્રથમ ક્ષણ, બીજી ક્ષણ, ત્રીજી ક્ષણ આદિરૂપ ક્ષણના અંતર્ભાવથી, બીજી આદિ ક્ષણોમાં નવા નવા ઘટની ઉત્પત્તિ પણ પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ઘટમાં અનુગત એવાં મૃદ્રવ્યમાં જે પ્રથમ ક્ષણમાં પિંડપર્યાયનો નાશ છે અને પ્રથમ ક્ષણમાં જે ઘટની ઉત્પત્તિ છે તે બંને ઋજુસૂત્રનયની દૃષ્ટિથી બીજી આદિ ક્ષણમાં પણ ધારારૂપે પ્રાપ્ત થાય છે. ફક્ત પ્રથમ ક્ષણમાં જે ઘટની ઉત્પત્તિ હતી તે ઘટનો નાશ બીજી ક્ષણમાં પ્રાપ્ત થાય છે અને બીજી ક્ષણવિશિષ્ટ ઘટ ઉત્પન્ન થાય છે તેથી એ પ્રાપ્ત થાય કે, પ્રથમ ક્ષણમાં મૃપિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ હતી અને બીજી ક્ષણમાં પ્રથમ ક્ષણના ઘટનો નાશ અને બીજી ક્ષણના ઘટની ઉત્પત્તિ છે માટે સ્યાદ્વાદીના મતે દરેક ક્ષણમાં ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ઉત્પત્તિનાશની પ્રાપ્તિ છે અને તે ઋજુસૂત્રનયની દૃષ્ટિથી અનુગૃહીત દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી ધ્રૌવ્યની પ્રાપ્તિ છે માટે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની ધારા દરેક દ્રવ્યમાં સતત ચાલે છે.
અહીં નૈયાયિક કહે કે, પિંડમાંથી જ્યારે ઘટની ઉત્પત્તિ થાય છે ત્યારે પ્રથમ ક્ષણમાં ઘટ ઉત્પદ્યમાન છે અને બીજી આદિ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ થતી દેખાતી નથી પરંતુ પ્રથમ ક્ષણની ઉત્પત્તિવાળો ઘટ અવસ્થિત દેખાય છે તેથી બીજી આદિ ક્ષણમાં ઘટની ઉત્પન્નતા અકલ્પિત છે અને સ્યાદ્વાદીએ કહ્યું કે ઉત્પદ્યમાન હોય તે જ ઉત્પન્ન કહેવાય, અન્ય નહીં અને તેમ સ્વીકારીને ગાથાના પૂર્વાર્ધમાં તર્કથી સ્થાપન કર્યું કે, જો બીજી ક્ષણમાં ઘટની ઉત્પત્તિ ન માનવામાં આવે તો ઘટમાં અનુત્પન્નતા થાય. તે અનુત્પન્નતા તર્ક દ્વારા સ્યાદ્વાદીએ કલ્પના કરેલ છે. વાસ્તવિક રીતે તે અનુત્પન્નતા અકલ્પિત નથી. તેથી જો નૈયાયિક કહે કે બીજી આદિ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ સ્વીકારીને સ્યાદ્વાદ મતાનુસાર તમે કલ્પિત અનુત્પન્નતા સ્થાપિત કરો છો તોપણ તે અકલ્પિત અનુત્પન્નતા નથી તેને ગ્રંથકારશ્રી કહે છે –
તોપણ પ્રતિક્ષણ ઉત્પત્તિ વગર નિશ્ચયનયની પરમાર્થ દૃષ્ટિથી બીજી આદિ ક્ષણમાં અનુત્પન્નતા પ્રાપ્ત થવી જોઈએ.
આશય એ છે કે નિશ્ચયનય કહે છે કે કરવતથી લાકડું કપાતું હોય તે વખતે કરવતની જેટલી ક્રિયા થાય તેટલું લાકડું તે ક્ષણમાં કપાય છે, ઉત્તરક્ષણમાં કપાતું નથી તેથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ=ક્રિયાનો સમાપ્તિકાળ, એક જ સમય છે તેથી કાપવાની ક્રિયા અને લાકડું કપાયું તે પ્રકારનો પ્રયોગ એક સમયને આશ્રયીને થાય. બીજી ક્ષણમાં જો કાપવાની ક્રિયા ન હોય તો લાકડું કપાયું તેમ કહી શકાય નહીં માટે જે ક્ષણમાં કાપવાની ક્રિયા હોય તે ક્ષણમાં જ લાકડું કપાયું કહેવાય તેમ જે ક્ષણમાં ઘટનિષ્પત્તિની ક્રિયા હોય તે ક્ષણમાં જ “ઘટ નિષ્પન્ન થયો' તેમ કહેવાય, બીજી ક્ષણમાં જો ઘટ નિષ્પન્ન ન થતો હોય, તો “ઘટ નિષ્પન્ન થયો' તેમ કહી શકાય નહીં. આ પ્રકારની નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો ક્ષણના અંતર્ભાવથી બીજી આદિ ક્ષણમાં જો ઘટની ઉત્પત્તિ ન હોય તો ઘટ અનુત્પન્ન છે તેમ જ માનવું પડે, માટે