________________
૩૯૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૮ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં યત્ન કર્યો છે અને જે પુરુષ ગીતાર્થના અવલંબન દ્વારા તે અર્થના પરમાર્થને જાણવા યત્ન કરે તોભગવાનના શાસ્ત્રમાં સર્વ અર્થ અનેક પ્રકારે ત્રિલક્ષણવાળા કહ્યા છેઃઉત્પાદવ્યયધીવ્યશીલ કહ્યા છે, તેનો પારમાર્થિક બોધ પ્રાપ્ત થાય અને તે પારમાર્થિક બોધને ગ્રહીને જે પુરુષ દરેક પદાર્થોમાં ત્રિલક્ષણ સ્વભાવ કઈ રીતે વર્તે છે તેનું અવધારણ કરીને તેનાથી આત્માને ભાવિત કરે તો, સ્યાદ્વાદના મર્મના બોધપૂર્વક સ્યાદ્વાદની ભાવનાથી તેનો આત્મા ભાવિત થાય. જેથી તે મહાત્માને વિસ્તારરુચિસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અને વિસ્તારરુચિસમ્યક્ત્વના નિર્મળ બોધને કારણે તે મહાત્માને ભગવાનના વચનથી ભાવિત થવાથી જન્ય જે અનુપમ સુખ થાય છે તે સુખ અન્ય જીવોને પ્રાપ્ત થતું નથી. વળી, સ્યાદ્વાદના મર્મને જાણનારા એવાં તે પુરુષથી ભગવાનના શાસનનો ઘણો વિસ્તાર થાય છે, યોગ્ય જીવોને ભગવાનનું શાસન જે રીતે બતાવવું જોઈએ, તે રીતે બતાવીને તે મહાત્મા ઘણા જીવોના હિતનું કારણ બને છે તેથી પ્રભાવકપણાના યશને પ્રાપ્ત કરે છે.
અહીં વિશેષ એ છે કે, આઘભૂમિકામાં યોગ્ય જીવ ઉપદેશાદિ સામગ્રીને પામીને ચારગતિમાં પરિભ્રમણરૂપ સંસારને યથાર્થ જાણે, સંસારથી પર અવસ્થા જીવની સુંદર અવસ્થા છે-તેના પરમાર્થને જાણે અને તેની પ્રાપ્તિના ઉપાયરૂપ જે ભગવાને સ્યાદ્વાદમય શાસ્ત્રો આપ્યાં છે માટે ભગવાનનું વચન જ સર્વ કલ્યાણનું કારણ છે તેવી સ્થિર શ્રદ્ધા જે જીવમાં છે, તે જીવ તેવી શ્રદ્ધાના કારણે શક્તિને ગોપવ્યા વગર ભગવાનના વચનને જાણવા માટે અને જાણીને જીવનમાં ઉતારવા માટે હંમેશાં ઉદ્યમશીલ છે તે જીવમાં સંક્ષેપરુચિસમ્યકત્વ છે અને તે સંક્ષેપરુચિસમ્યગુદૃષ્ટિ જીવ જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ કરે છે તેમ તેમ કંઈક વિસ્તારવાળી જિનવચનની રુચિ પ્રગટે છે અને જે જીવ સ્યાદ્વાદમય સિદ્ધાંતના પરમાર્થને સર્વ દૃષ્ટિકોણથી જાણીને સ્થિર નિર્ણયવાળો થાય છે કે અન્ય દર્શનવાળા પણ તત્ત્વની વાતો કરે છે, તત્ત્વ બતાવે છે, છતાં એકાંતની રુચિવાળા હોવાથી પૂર્ણ તત્ત્વને પામી શક્યા નથી અને ભગવાનનું વચન યુક્તિ અને અનુભવ અનુસાર સ્યાદ્વાદમય છે', તેથી તે મહાત્માને ભગવાનના વચનના પરમાર્થના બોધપૂર્વકની વિસ્તારરુચિરૂપ સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને જેમ જેમ તે ત્રણ લક્ષણસ્વરૂપ જગતની વ્યવસ્થાથી આત્માને ભાવિત કરે છે તેમ તેમ નિર્મળ કોટિના શ્રુતજ્ઞાનના બળથી તે મહાત્મા ક્ષપકશ્રેણીને અનુકૂળ એવું કંઈક વીર્ય સંચિત કરે છે તેથી તે મહાત્માને અંતરંગ સુખ પ્રાપ્ત થાય છે કે “મને પ્રાપ્ત થયેલા નિર્મળ બોધથી અવશ્ય હું વિષમ એવાં સંસારથી સુખપૂર્વક પારને પામીશ” અને યોગ્ય જીવોને પોતાના બોધ અનુસાર ભગવાનનું વચન બતાવીને તે મહાત્મા પ્રભાવકપણાના યશને પ્રાપ્ત કરે છે. II/૨૮