________________
૩૨૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૫
આ પ્રકારનું એકાંતનિત્યવાદીનું વચન છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જો કારણમાં કોઈ ભેદ ન હોય તો કાર્યનો ભેદ કેવી રીતે થાય ? અર્થાત્ થઈ શકે નહીં, કેમ કે સર્વત્ર સમાન કારણરૂપ સામગ્રીથી સમાન જ કાર્ય થાય થાય છે તે પ્રકારનો અનુભવ છે અને પ્રસ્તુત સ્થાનમાં દેખાતા સુવર્ણને જોઈને કોઈકને પ્રમોદ થાય છે તેથી નક્કી થાય છે, તે પુરુષને પોતાને ઇષ્ટ એવું મુગટરૂપ સાધન પ્રમોદજનક બન્યું જે ઉત્પાદરૂપ છે.
વળી, કોઈ અન્ય પુરુષને તે મુગટરૂપ સુવર્ણને જોઈને શોક થાય છે તેથી નક્કી થાય છે કે, તે પુરુષને પોતાને અનિષ્ટ એવું ઘટનાશરૂપ સાધન શોકજનક બન્યું, માટે મુગટના ઉત્પાદથી ભિન્ન એવો ઘટનાશ વ્યયસ્વરૂપ છે.
વળી, ઘટનાશ અને મુગટના ઉત્પાદથી ભિન્ન એવું અવસ્થિત સુવર્ણ છે અને તે સુવર્ણના અર્થી પુરુષને માધ્યશ્મનું જનક છે. તેથી નક્કી થાય છે કે, સુવર્ણના અર્થીને ઘટનાશ અને મુગટના ઉત્પાદથી ભિન્ન એવું ધૃવરૂપ સુવર્ણ માધ્યસ્થનું જનક છે. આમ ત્રણ પુરુષના ત્રણ ભાવીરૂપ કાર્યો એકરૂપ સુવર્ણથી કેમ થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં. માટે ત્રણ કાર્યને અનુરૂપ પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રુવસ્વરૂપ છે એમ સ્વીકારવું જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે, શોકાદિ ત્રણ કાર્યની જનક એવી એકશક્તિ સુવર્ણમાં સ્વીકારીએ તો શું વાંધો? તેને ગ્રંથકારશ્રી કહે છે –
શક્તિ પણ દેખાતા અનુભવ અનુસાર કલ્પના કરાય છે. સ્વમતિથી કલ્પના કરી શકાય નહીં અને પ્રસ્તુતમાં સ્પષ્ટ દેખાય છે કે મુગટરૂપ પર્યાય ઉત્પન્ન થયો ત્યારે ઘટનાશ થયો છે અને ઘટ અને મુગટ બંને અવસ્થામાં સુવર્ણ અવસ્થિત છે. તેથી તે અનુભવ અનુસાર શોકઉત્પાદક શક્તિ ઘટનાશ છે, પ્રમોદઉત્પાદક શક્તિ મુગટઉત્પાદ છે અને માધ્યશ્મઉત્પાદક શક્તિ અવસ્થિત સુવર્ણ છે તેમ કલ્પના કરી શકાય. અને જો દૃષ્ટ અનુભવ અનુસાર શક્તિની કલ્પના ન કરવામાં આવે અને સ્વમતિ અનુસાર કલ્પના કરવામાં આવે તો કોઈ કહે કે અગ્નિના સાંનિધ્યમાં રહેલું જળ બાળવાના સ્વભાવવાળું છે તેથી અગ્નિથી ઉષ્ણ થયેલું જળ દાહ કરે છે, તે દાહ કરવાનો જળનો સ્વભાવ છે, તો તે કલ્પના કરનારને કોણ નિષેધ કરી શકે ? અર્થાત્ કોઈ નિષેધ કરી શકે નહીં અને અનુભવ અનુસાર વિચારવામાં આવે તો અગ્નિ દાહ કરવાના સ્વભાવવાળું છે અને જળ શીતળતાના સ્વભાવવાળું છે તેમ જ કલ્પના થાય, તેમ પ્રસ્તુતમાં પણ ઘટનો વ્યય શોકજનક છે, મુગટનો ઉત્પાદ પ્રમોદજનક છે અને અવસ્થિત સુવર્ણ માધ્યથ્યનું જનક છે તેમ કલ્પના થાય.
આ સર્વકથનથી શું ફલિત થાય છે ? તે કહે છે –
કાર્યભેદ અનુસાર શક્તિભેદમાં કારણનો ભેદ અવશ્ય સ્વીકારવો જોઈએ. તેથી પ્રસ્તુતમાં પ્રમોદ, શોક અને માધ્યય્યરૂપ કાર્યભેદ અનુસાર તેની ત્રણ શક્તિના ભેદમાં ઉત્પાદરૂપ, નાશરૂપ અને ધ્રૌવ્યરૂપ કારણભેદ સ્વીકારવો જોઈએ.