________________
૧૬૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪નું યોજનસ્વરૂપ નયના બાર-બાર ભેદો ઉપલબ્ધ છે અને તે અનુસાર જે મહાત્માઓ સૂક્ષ્મ દ્રવ્યપર્યાયનું ચિંતવન કરી શકે છે, તેઓ પણ તે ચિંતવનથી સંયમના કંડકની વૃદ્ધિ કરી શકે છે.
હવે ગાથા-૯થી ૧૩ સુધી અસ્તિ-નાસ્તિને અને ભેદભેદને આશ્રયીને થતી સપ્તભંગી બતાવેલ છે અને તે સપ્તભંગીની નિષ્પત્તિ આ રીતે થાય છે –
પદાર્થના કોઈ એક ધર્મને આશ્રયીને વિચારણા કરવામાં આવે તો સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે. તે સાત પ્રકારની જિજ્ઞાસાથી સાત પ્રકારના પ્રશ્નો થાય છે અને તે પ્રશ્નોના સાત ઉત્તર પ્રાપ્ત થાય છે. તે સાત ઉત્તરો જ સપ્તભંગી રૂપ છે. તેથી સપ્તભંગી દ્વારા પદાર્થમાં રહેલ એક જ ધર્મ વિષયક સર્વ જિજ્ઞાસાઓનો ઉત્તર મળવાથી એક ધર્મને આશ્રયીને તે પદાર્થનો પૂર્ણ બોધ થાય છે. વળી, આ સપ્તભંગી સકલાદેશ અને વિકલાદેશની વિવક્ષાથી પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગી બને છે અર્થાત્ સકલાદેશની વિવેક્ષાથી પ્રમાણસપ્તભંગી બને છે અને વિકલાદેશની વિવક્ષાથી નયસપ્તભંગી બને છે. આ સપ્તભંગીના રહસ્યને પામ્યા પછી કોઈ યોગી કોઈપણ પદાર્થના સ્વરૂપનું ચિંતવન કરવા અર્થે શ્રુતના વચનથી ઉપયોગવાળા થઈને સપ્તભંગીના બોધને અનુરૂપ સૂક્ષ્મ પદાર્થનો ઊહાપોહ કરે તે યોગી શ્રુતના બળથી તે પદાર્થના સૂક્ષ્મ ભાવોને પ્રાપ્ત કરીને શુદ્ધ આત્માના સ્વરૂપના અવલોકન અર્થે ક્ષપકશ્રેણીની શક્તિનો સંચય કરે છે.
જેમ, છદ્મસ્થ અવસ્થામાં વીર ભગવાને પરમાણુ ઉપર ધ્યાન કરેલ ત્યારે તેઓની ઇન્દ્રિયોથી પરમાણુ સાક્ષાત્ ગ્રહણ થાય તેવી અવસ્થા ન હતી છતાં શ્રુતના બળથી પરમાણુના સૂક્ષ્મ સ્વરૂપના અવલોકનમાં વિર ભગવાન ઉપયોગવાળા હતા. તે વખતે સપ્તભંગીનો બોધ તે પરમાણુના ચિંતવનમાં અત્યંત ઉપકારક બને છે અને આ પ્રકારે પરમાણુ પ્રત્યે ચિત્તની સ્થિર દૃષ્ટિ રાખીને ચિંતવન કરવાથી ક્ષપકશ્રેણીને અનુકૂળ એવી શક્તિનો સંચય થાય છે. માટે સપ્તભંગીનો બોધ પણ યોગમાર્ગના ભાવોને અતિશય કરવામાં અત્યંત ઉપકારક છે.
વળી, પ્રસ્તુત ઢાળની અંતિમ ગાથા-૧૪માં કહ્યું કે, સકલાદેશ અને વિકલાદેશરૂપ પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગીનો અભ્યાસ કરીને જે યોગીઓ શ્રુતના બળથી જીવ-અજીવાદિ તત્ત્વોનાં રહસ્યોને સમજે છે તેઓને સ્યાદ્વાદનું પરિજ્ઞાન થાય છે અને તેઓનો જૈનભાવ સફળ છે.
આ કથનથી એ ફલિત થાય છે કે, જે યોગીઓ સપ્તભંગીનો યથાર્થ બોધ કરીને જીવાજીવાદિ તત્ત્વોના સૂક્ષ્મ બોધમાં તે સપ્તભંગીને યોજી શકે છે અર્થાત્ જેમ પરમાણુના ધ્યાનમાં વીર ભગવાન નયસપ્તભંગીને ઉચિત રીતે જોડીને સૂક્ષ્મ ભાવોને પ્રાપ્ત કરી શકયા, તેમ જે યોગી જીવાદિ તત્ત્વોના રહસ્યને પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગી દ્વારા પ્રાપ્ત કરે છે, તેઓ પોતાના જૈનભાવને પ્રગટ કરવા અર્થે જિનની જે ઉપાસના કરે છે તે સફળ થાય છે; કેમ કે તે પ્રકારના ચિંતવનથી જ વીતરાગ થવાને અનુકૂળ સૂક્ષ્મ ઊહ પ્રવર્તે છે. માટે સપ્તભંગીનું જ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યે પ્રબળ કારણ બને છે.