________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૧૨
૧૦૫
ઠીકરાને જોઈને “હમણાં મને અતીત ઘટ જણાય છે” એ પ્રમાણે જે જણાય છે તે સ્થાનમાં પણ તે ઘટ પર્યાયરૂપે વિદ્યમાન નથી તોપણ તે ઘટનું ઉપાદાન કારણ એવું માટીરૂપ દ્રવ્ય વિદ્યમાન છે અને તે માટીને જોઈને માટીમાં અતીત ઘટ વર્તમાન શેયાકારૂપ પર્યાયથી વિદ્યમાન છે અર્થાત્ જેમ માટી, માટીરૂપે વિદ્યમાન છે તેમ માટીમાં ઘટનો શેયાકાર પર્યાય પણ વર્તમાનમાં વિદ્યમાન છે. આથી જ તે માટીને જોઈને ‘તે ઘટને હું જાણું છું’ તેમ બોલાય છે. જો માટીમાં જેમ ઘટનો પર્યાય નથી, તેમ વર્તમાનમાં ઘટનો જ્ઞેયાકાર પર્યાય પણ ન હોય તો, તે માટીને જોઈને ઘટનો બોધ થઈ શકે નહીં. જેમ, તે માટીમાં વર્તમાન શેયાકારરૂપે મનુષ્યનો પર્યાય વિદ્યમાન નથી. તેથી તે માટીને જોઈને “અતીત એવાં તે મનુષ્યને હું જોઉ છું” તેવો બોધ થતો નથી. તેથી નક્કી થાય છે કે અતીત ઘટ માટીમાં જણાય છે ત્યારે સર્વથા અસત્ નથી, ફક્ત ઘટપર્યાયરૂપે અસત્ છે અને દ્રવ્યરૂપે સત્ એવાં ઘટમાં વર્તમાનમાં ઘટનો શેયાકા૨પર્યાય વિદ્યમાન છે, તે પર્યાયથી માટીમાં અતીત ઘટ જણાય છે.
કેટલીક વખત ઘટ તૂટી ગયા પછી ઠીકરા આદિ અવસ્થા ત્યાં વિદ્યમાન હોય છે અને તેને જોઈને “અતીત ઘટને હમણાં મેં જાણ્યો” તેવો વ્યવહાર થાય છે પરંતુ કેટલીક વખત તે ઘટ ફૂટી ગયા પછી ત્યાં ઘટ વિદ્યમાન નથી અને ઠીકરારૂપે પણ ત્યાં વિદ્યમાન નથી. આમ છતાં જે સ્થાનમાં ઘટ હંમેશાં રહેતો હોય તે સ્થાનને જોઈને અતીત ઘટ ઉપસ્થિત થાય છે અને કહેવાય છે કે “ગઈકાલનો ઘટ મને અહીં દેખાય છે”. તે સ્થાનમાં દ્રવ્યથી પણ ઘટ નથી. તેથી સર્વથા અસત્ એવાં પણ ઘટનો તે સ્થાનમાં બોધ થાય છે. માટે સર્વથા અસત્આનું જ્ઞાન થતું નથી તેમ કેમ કહી શકાય ? તેના સમાધાનરૂપે ‘અથવા’ થી બીજો વિકલ્પ કહે
છે.
નૈગમનયથી અતીતના વિષયમાં વર્તમાનતાનો આરોપ કરાય છે. આશય એ છે કે, કોઈ પરિચિત વ્યક્તિને પોતે કોઈક નિયત સ્થાનમાં બેઠેલી જોઈ હોય, ત્યારપછી તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે વ્યક્તિ તે મનુષ્યપર્યાયરૂપે પણ નથી અને દ્રવ્યરૂપે કોઈક ભવમાં હોવા છતાં વર્તમાનમાં દ્રવ્યરૂપે પણ સન્મુખ નથી છતાં જોનાર વ્યક્તિ કહે છે કે, “આ વ્યક્તિને હું સામે બેઠેલી જોઈ રહ્યો છું.” તે સ્થાનમાં અસત્ એવી તે વ્યક્તિનું જ્ઞાન થાય છે, તેમ કહીને સર્વથા અસત્ વસ્તુનું જ્ઞાન થઈ શકે છે, તેમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે, જે પુરુષ મૃત્યુ પામેલ છે તે અતીત કાળમાં તે સ્થાનમાં હતો અને તે સ્થાનને જોઈને નૈગમનયથી તે અતીત પુરુષમાં વર્તમાનકાળનો આરોપ કરીને “તે અતીત પુરુષને હું અહીં સન્મુખ જોઉં છું” તે પ્રકારનો વ્યવહાર થાય છે.
જેમ, “વીર ભગવાનનો આજે જન્મદિવસ છે” એમ બોલીએ છીએ તે સ્થાનમાં પણ અતીત એવાં ભગવાનના જન્મદિવસમાં નૈગમનયથી વર્તમાનકાળનો આરોપ કરીને “આજે ભગવાનનો જન્મદિવસ છે” તેમ કહેવાય છે. તેથી અતીતમાં વર્તમાનના આરોપથી જે પ્રયોગ થતો હોય, તેનાથી અછતા એવાં અતીતનું જ્ઞાન થાય છે તેમ સ્થાપન થઈ શકે નહીં. માટે સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન થઈ શકે નહીં તેમ માનવું પડે. II૩/૧૨/