________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ / ગાથા-૨
૩૧ પુદ્ગલ દ્રવ્ય સદા જીવથી કે અન્ય પુદ્ગલસ્કંધથી ગ્રહણ થાય છે. તેથી પુદ્ગલનો ગ્રહણગુણ છે અને આ ગ્રહણગુણ પુદ્ગલમાં ક્યારેક હોય, ક્યારેક ન હોય એવું નથી, પરંતુ સદા છે. માટે પુદ્ગલનો ગ્રહણગુણ યાવદ્રવ્યભાવી છે.
પુદ્ગલ અને જીવ ગતિસ્વભાવવાળા છે, છતાં ગતિ કરવામાં ધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક થાય છે. તેથી ધર્માસ્તિકાયની ગતિ હેતુત્વ ધર્મ છે અને ધર્માસ્તિકાયની ગતિ હેતુત્વરૂપ ધર્મ સદા રહેનારો છે. માટે ધર્માસ્તિકાયનો ગુણ છે.
વળી, ગતિસ્વભાવવાળા જીવ અને પુદ્ગલદ્રવ્યો ગતિ પરિણામમાંથી સ્થિર પરિણામમાં આવે છે ત્યારે અધર્માસ્તિકાય સહાયક થાય છે. આથી યોગીઓ મનને સ્થિર કરવા માટે યત્ન કરે છે ત્યારે અધર્માસ્તિકાયની સહાયતાથી યત્ન થાય છે. માટે અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વરૂપ ધર્મ છે અને તે સદા રહેનારો છે, માટે અધર્માસ્તિકાયનો ગુણ છે.
વળી, સર્વદ્રવ્યોને અવગાહના આપવાનો ધર્મ આકાશનો છે, તેથી અવગાહનાહેતુત્વ આકાશનો ધર્મ છે અને તે સદા રહેનારો છે માટે આકાશાસ્તિકાયનો ગુણ છે.
વળી, કાળ ઉપચારથી દ્રવ્ય છે એમ સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે છતાં પદાર્થવ્યવસ્થામાં અત્યંત ઉપયોગી હોવાથી કાળને દ્રવ્યરૂપે સ્વીકારવામાં આવેલ છે અને કાળના આલંબનથી દરેક પદાર્થો તે તે ભાવરૂપે વર્તન પામે છે અર્થાત્ પરાવર્તન પામે છે. તેથી પદાર્થોની વર્તનામાં કાળ હેતુ છે અને વર્તનાહેતુત્વ ધર્મ કાળમાં સદા રહેનારો છે, માટે તે કાળનો ગુણ છે.
આ રીતે ગુણનું લક્ષણ અને છ દ્રવ્યોમાં કયા ગુણ છે તે બતાવ્યું. હવે પર્યાયનું લક્ષણ બતાવે છે.
ક્રમસર થનારા ધર્મો પર્યાય છે અર્થાત્ દ્રવ્ય હોય ત્યાં સુધી રહેનારા નહીં, પરંતુ દ્રવ્યમાં કિંચિત્ કાળ સુધી વર્તનારા ધર્મો તે પર્યાય છે.
જેમ,
જીવદ્રવ્યમાં નરનારકાદિ પર્યાયો સદા રહેતા નથી પરંતુ જીવનો નર પર્યાય, પછી નાર, પર્યાય આદિ પર્યાયો ક્રમસર થાય છે અને જીવમાં કોઈક કાળે નર પર્યાય હોય છે તો કોઈક કાળે નારકાદિ પર્યાયો હોય
પુદ્ગલદ્રવ્યમાં રૂપની પરાવૃત્તિ અને રસાદિની પરાવૃત્તિ પણ ક્રમસર થનારી છે, તેથી તે પુદ્ગલના પર્યાય છે. જેમ કોઈ પુદ્ગલમાં વર્તમાનમાં શ્યામ રૂપ હોય અને તેના તે જ પુદ્ગલમાં પાછળથી શ્વેતાદિ રૂપ થાય. તેથી પુદ્ગલનાં શ્યામ આદિ રૂપો પુદ્ગલના પર્યાયો છે.
આ રીતે=પ્રથમ ગાથામાં દ્રવ્યનું લક્ષણ બતાવ્યું અને દ્વિતીય ગાથામાં અત્યાર સુધી ગુણ અને પર્યાયનાં લક્ષણ બતાવ્યાં એ રીતે, દ્રવ્ય, ગુણ અને પર્યાય-ત્રણેય, લક્ષણથી ભિન્ન છે. અર્થાત્ જો ત્રણે સર્વથા એકરૂપ હોત તો ત્રણેનાં ભિન્ન લક્ષણની પ્રાપ્તિ થાય નહીં અને ત્રણેનાં લક્ષણ જુદાં પ્રાપ્ત થાય છે માટે ત્રણેનો પરસ્પર ભેદ છે.