________________
૩૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૩ કૃત્તિકાદિ સામાન્યરૂપે ભાસે છે. જે દ્રવ્યસ્વરૂપ છે અને વિશેષ ઉપયોગમાં ઘટાદિ વિશેષ ભાસે છે તે મૃતિકાદ્રવ્યના પર્યાયરૂપ છે ત્યાં=પ્રત્યક્ષ પ્રમાણથી દેખાતા ઘટાદિમાં જે સામાન્ય દેખાય છે=માટી સામાન્ય દેખાય છે, તે માટી દ્રવ્યરૂપ જાણવું અને વિશેષ=ઘટાદિ જે વિશેષ દેખાય છે તે ગુણપર્યાયરૂપ જાણવા-ઘટમાં દેખાતા રૂપાદિ ગુણરૂપે છે અને ઘટ પર્યાયરૂપે છે તેથી ગુણપર્યાયરૂપ ઘટાદિ વિશેષ છે. II / II.
ભાવાર્થ -
પૂર્વમાં દ્રવ્ય,ગુણ અને પર્યાય એ ત્રણનાં લક્ષણો બતાવ્યાં અને તેને માળાના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે ગાથાના પૂર્વાર્ધનો અર્થ આ પ્રમાણે છે:
મોતીની માળા ગ્રહણ કરીએ તો તે માળામાં વર્તતાં મોતીઓ પર્યાય છે. તે માળામાં વર્તતાં ઉજ્વલતાદિક ધર્મો ગુણ છે અને મોતીની માળા દ્રવ્ય છે. મોતીને પર્યાય એટલા માટે કહ્યાં કે, માળામાં ભિન્ન ભિન્ન મોતીઓ છે, તે ફરે ત્યારે તે માળા જુદા જુદા પ્રકારની દેખાય છે. તેથી ભિન્ન ભિન્ન અવસ્થાને પામતાં એવાં મોતીઓ પર્યાય છે. વળી, તે મોતીની માળામાં જે ઉજ્જવલતાદિક ધર્મો છે તે ગુણો છે; કેમ કે તે માળામાં ઉજ્જવલતાદિક ગુણો સદા રહેનારા છે. વળી, મોતીની માળા એ દ્રવ્ય છે.
વળી, તે માળામાં મોતીરૂપ પર્યાય મોતીના ઉજ્વલતાદિકરૂપ ગુણો અને તે મોતીની માળારૂપ દ્રવ્ય એક પ્રદેશ સંબંધથી વળગેલાં છે=જે માળા છે તે જ મોતીસ્વરૂપ અને ઉજ્જવલતાદિક સ્વરૂપ છે. પરંતુ ઉજ્જવલતાદિકના ભિન્ન પ્રદેશો અને માળાના ભિન્ન પ્રદેશો નથી. જેમ બે ભિન્ન ઘટના પ્રદેશો ભિન્ન ભિન્ન છે તેમ મોતી, ઉજ્જવલતાદિક અને માળાના પ્રદેશો ભિન્ન નથી.
વળી, અનુભવથી દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણ વસ્તુ છે તે ટબામાં બતાવે છે. સર્વજનોને ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી દેખાય છે અને તે દેખાતા ઘટને સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે તો તેનો અનુભવ સામાન્યવિશેષરૂપે થાય છે અને ઘટાદિ દ્રવ્યમાં માટી સામાન્યરૂપે ભાસે છે; કેમ કે ઘટની નિષ્પત્તિ પૂર્વે પણ માટી હતી અને ઘટના નાશ પછી પણ માટી રહે છે, તેથી માટી સામાન્ય છે. વળી, પૂર્વે તે માટીનો પિંડપર્યાય હતો, પિંડપર્યાયનો નાશ થયો ત્યારે ઘટપર્યાય ઉત્પન્ન થયો, ઘટપર્યાયનો નાશ થયો ત્યારે ઠીકરાપર્યાય ઉત્પન્ન થયો. તેથી પિંડપર્યાય, ઘટપર્યાય, ઠીકરાપર્યાયમાં માટી અનુગતરૂપે સામાન્યથી દેખાય છે, માટે માટી દ્રવ્ય છે.
વળી, પૂરોવર્તી ઘટને જોઈએ ત્યારે તેનો ઘટાકાર દેખાય છે તે માટીનો પર્યાય છે. વળી, ઘટના જે રૂપાદિ દેખાય છે તે તેના ગુણો છે. તેથી ફલિત થાય કે, દેખાતા ઘટમાં માટી સામાન્યરૂપે દેખાય છે, ઘટ અને રૂપાદિ વિશેષરૂપે દેખાય છે. અહીં જે સામાન્ય દેખાય છે તે દ્રવ્ય છે અને જે વિશેષ દેખાય છે તે ગુણપર્યાયરૂપ છે.
ગાથાના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે –