________________
૭૪
ઉપદેશપદ : ભાગ-૨ અને વૈશેષિક દર્શન ભેદવાદી છે. આથી કારણ અને કાર્ય ભિન્ન-ભિન્ન છે એમ માને છે. હવે ટીકાના અર્થને વિચારીએ.)
એકાંતનિત્યવાદ–નાશ ન પામે અને ઉત્પન્ન ન થાય, કિંતુ એક રૂપે સ્થિર રહે એવા આત્મા વગેરેનો સ્વીકાર તે નિત્યવાદ છે. એકાંત નિત્યવાદ સ્યાદ્વાદથી વિપરીત છે. સાંખ્યો વગેરે નિત્યવાદને સ્વીકારે છે. નિત્યવાદમાં સત્ વસ્તુ અને અસત્ વસ્તુમાં અભેદ પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિવક્ષિત અવસ્થાના સત્ત્વકાળે અને અસત્ત્વકાળે દ્રવ્યનો અભેદ પ્રાપ્ત થાય છે. તેથી માટીનો જે પિંડ છે તે જ ઘટ છે અને જે ઘટ છે એ જ પિંડ છે એ બંને અવસ્થામાં મૃદ્રવ્ય રહેલું છે. એ બંનેના સ્વરૂપમાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ ભેદ નથી. (સાંખ્ય દર્શન અભેદવાદી હોવાથી તેના મતે પિંડ કારણ અને ઘટ કાર્ય એ બંને અભિન્ન છે. આથી તેના મતે જે પિંડ છે તે જ ઘટ છે અને જે ઘટ છે. તે જ પિંડ છે. ખરેખર તો પિંડ અને ઘટ બંને ભિન્ન છે. આથી પિંડના સત્ત્વકાળે ઘટનું અસત્ત્વ છે અને ઘટના સર્વકાળે પિંડનું અસત્ત્વ છે. સત્ત્વ-અસત્ત્વનો આ ભેદ સાંખ્ય મતે સિદ્ધ થતો નથી.)
પૂર્વપક્ષ–એકાકારવાળા (એક સ્વરૂપવાળા) પણ દ્રવ્યમાં આ પિંડ છે અને આ ઘટ છે એમ અવસ્થાભેરવાળો વ્યવહાર લોકમાં પ્રવર્તે છે.
ઉત્તરપક્ષ–(લોકમાં અવસ્થાભેરવાળો વ્યવહાર પ્રવર્તતો હોવા છતાં) કાર્યના અભેદમાં તેના કારણોના પણ અભેદની પ્રાપ્તિ થઈ જાય છે. (તમે કાર્ય ઘટને કારણ પિંડથી અભિન્ન માનો છો. એથી તમારા મતે કાર્ય ઘટ અને કારણ પિંડ અભિન્ન છે.) કાર્યભેદ કારણભેદ પૂર્વક જ હોય છે, અર્થાત્ કારણ ભિન્ન હોય તો જ કાર્ય ભિન્ન હોય. કહ્યું છે કે–“વિરુદ્ધ ધર્મોનું રહેવું અને ભિન્ન કારણોનું હોવું એ જ ભેદ છે. એ જ ભેદને કારણે છે.
(તાત્યયાર્થ–અહીં લક્ષણ અને કારણના ભેદથી ભેદ બે પ્રકારનો છે. જેમ કે ઘટ પાણી લાવવામાં અને પટ ઠંડીથી રક્ષણ કરવામાં કામમાં આવે છે. આ જ ઘટ અને પટમાં લક્ષણભેદ છે. તથા ઘટ માટીના પિંડથી અને પટ તંતુઓથી ઉત્પન્ન થાય છે. આ જ ઘટ-પટમાં કારણભેદ છે. પ્રસ્તુતમાં કારણ એવા પિંડને ઘટ કાર્યથી ભિન્ન માનવામાં આવે તો જ પિંડ અને ઘટમાં ભેદ સિદ્ધ થાય. સાંખ્યમતમાં કાર્ય-કારણ અભિન્ન છે. આથી તેના મતે જે પિંડ છે એ જ ઘટ છે, જે ઘટ છે એ જ પિંડ છે.)
એકાંત અનિત્યવાદ–એકાંતે પ્રતિક્ષણ નાશ પામે તેવા આત્મા વગેરેનો સ્વીકાર તે એકાંતે અનિત્યવાદ છે. (એકાંત અનિત્યવાદમાં કાર્ય-કારણમાં અભેદ ઘટતો નથી.) એકાંત અનિત્યવાદમાં જેણે દેવભવની પ્રાપ્તિને યોગ્ય પુણ્યકર્મ બાંધ્યું છે તેવા પુરુષથી મૃત્યુબાદ દેવભવની પ્રાપ્તિ થયે છતે એકાંતથી જ ભિન્ન અન્ય દેવ છે એમ સિદ્ધ થાય છે. ૧. સ્વાદુવાદમંજરી પાંચમી ગાથાની ટીકા