________________
૮૭
ઉપદેશપદ : ભાગ-૨ ગુણ યુક્ત અને પ્રશસ્ત પરિણામવાળા દંડ નામના સાધુ આતાપના લેતા હતા, અર્થાત્ ઠંડી આદિ સહન કરીને પોતાને કષ્ટ આપતા હતા. (૪૫૯) કોઈ વખતે યમુન રાજા નગરીમાંથી બહાર નીકળ્યો. આતાપના લેતા મુનિને તેણે જોયા. પછી નિમિત્ત વિના પણ મુનિના ક્લિષ્ટ કર્મના ઉદયથી રાજાને દંડ મુનિ ઉપર ગુસ્સો આવ્યો. તેથી આ લોકના અને પરલોકના ફળનો વિચાર કર્યા વિના જ તેણે મુનિનું મસ્તક તલવારથી છેદી નાખ્યું. અહીં બીજા આચાર્યો કહે છે કે બીજો વગેરે ફળોથી રાજાએ મુનિને માર્યા. (૪૬૦) ત્યાર બાદ બાકીના સેવક લોકોએ મુનિ ઉપર માટીના ઢેફા ફેંક્યા. આથી મુનિ જાણે ઢેફાનો ઢગલો હોય તેવા થયા. આ પોતે કરેલા કર્મના ફલનો વિપાક ઉપસ્થિત થયો છે, આમાં કોઇનો કોઈ અપરાધ નથી, આમ વિચારીને મુનિએ સહન કર્યું. શુકુલધ્યાન પ્રગટવાથી કેવલજ્ઞાન થયું. અંતકૃત કેવળી થઈને તે જ ક્ષણે સિદ્ધ થયા. પછી શક્રેન્દ્ર ત્યાં આવીને પુષ્પ-ધૂપ આદિથી મુનિના શરીરની પૂજા કરી. (૪૬૧)
શક્રેન્દ્રનું આગમન અને શક્રેન્દ્ર કરેલી પૂજાને જોઈને યમુન રાજાને પોતે કરેલી મહાન અનુચિત ચેષ્ટા બદલ શરમ આવી. આ પ્રમાણે અનુચિત કરનારા મને ધિક્કાર થાઓ એવા સંવેગથી રાજાને આત્મહત્યા કરવાનો પરિણામ થયો. ઈદ્ર આત્મહત્યાના અભિપ્રાયને જાણીને રાજાને આત્મહત્યા કરતો રોક્યો અને કહ્યું કે તેં જે અપરાધ કર્યો છે તે અપરાધની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કર. પ્રાયશ્ચિત્ત અપરાધની શુદ્ધિ રૂપ છે. (૪૬૨)
પછી રાજા સાધુઓની પાસે ગયો. આલોચનાથી પ્રારંભી પારાંચિત સુધીના પ્રાયશ્ચિત્તનું શ્રવણ કર્યું. પછી આ અપરાધમાં શું પ્રાયશ્ચિત્ત છે તે પૂછ્યું. સાધુઓએ કહ્યું: આ અપરાધમાં શુદ્ધ ચારિત્રનું પાલન કરવું એ પ્રાયશ્ચિત્ત છે. રાજાએ સર્વસાવદ્ય યોગોના અભાવ રૂપ દીક્ષા લીધી. (૪૬૩) - દીક્ષા લીધા પછી અતિશય પશ્ચાત્તાપ થવાથી મુનિએ અભિગ્રહ લીધો કે, જો ભોજનની પહેલાં અપરાધનું સ્મરણ થાય તો તે દિવસે મારે ભોજન ન કરવું, અર્ધ ભોજન કર્યું હોય અને અપરાધનું સ્મરણ થાય તો પણ મારે ભોજન ન કરવું. આવો અભિગ્રહ લેનારા તે મુનિએ એક દિવસ પણ ભોજન ન કર્યું. કારણ કે અભિગ્રહને સદાય યાદ કરતા હતા. (૪૬૪)
અંતસમયે આલોચના કરવી, વ્રતો ઉચ્ચરવા વગેરે પંડિત મરણ રૂપ આરાધના કરીને કાલધર્મને પામેલા તે મુનિ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થયા. ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે–આ રીતે યમુનરાજર્ષિએ લીધેલા અભિગ્રહની જેમ અભિગ્રહને જૈનશાસનમાં કલ્યાણનું કારણ જાણવો. (૪૬૫) ૧. અંતકૃત શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે–સર્વકર્મોનો તત્કાળ જેણે ક્ષય કર્યો છે તે અંતકૃત. ૨. અભિગ્રહને યાદ કરે એટલે અપરાધનું સ્મરણ થયા વિના ન રહે. ૩. અમુના પ્રશ્નમેળ એ પદોનો શબ્દાર્થ “આ અવસરથી” એવો થાય.