________________
૪૯૩
ઉપદેશપદ : ભાગ-૨
पव्वज्जकरण कालेण गयउरे साहुसाहुणीकप्पो । विण्हुसुय दत्त लंखिग, रागो तत्थेव परिणयणं ॥१०१४॥ जह कह साहुसमीवेवि दुक्करं नत्थि हंत रागस्स । इय आह सूरतेओ, देवी किं नीयबोल्लाए? ॥१०१५॥ इय सुहुमरागदोसा, बंधो नालोइयम्मि कालो य । सुर भोग चवण वणिलंखगेहजम्मो कलग्गहणं ॥१०१६॥ अन्नत्थऽराग कालेण दसण चक्खुराग परिणयणं । गरिहा हिंडण जतिदसणाओ सरणेण बोही य ॥१०१७॥ તે જ દૃષ્ટાંતને બતાવતા ગ્રંથકાર પાંચ ગાથાઓ કહે છે
ગાથાર્થ–ટીકાર્થ–પદ્માવતી નગરીમાં સૂરતેજ નામનો રાજા હતો. હમણાં જ વિસ્તારથી કહેલા નરસુંદરના વૃત્તાંતને સાંભળીને તે રાજાએ તીવ્ર વૈરાગ્ય પામીને પટ્ટરાણી સહિત દીક્ષા લીધી. (૧૦૧૩)
સિંહવૃત્તિથી દીક્ષાને સ્વીકારનારા સૂરતેજ રાજર્ષિ ઉગ્રવિહારથી દીક્ષા પાળવા લાગ્યા. કેટલોક કાળ ગયા પછી માસકલ્પ આદિ વિહારના ક્રમથી સૂરતેજ રાજર્ષિ પોતાના સાધુસાધ્વી વર્ગની સાથે ગજપુરનગરમાં પધાર્યા. આ પ્રમાણે ગજપુરમાં આગમન થતાં સાધુસાધ્વીને યોગ્ય આચારો વધવા લાગ્યા. જીવો પ્રતિબોધ પામવા લાગ્યા. મિથ્યાત્વરૂપ વિષના વિકારનો નાશ થતાં નગરલોક પરમાનંદિત બન્યો. તે નગરમાં વિષ્ણુ નામનો શેઠ હતો. તે સદાય નિષ્કલંક કુલાચારનું પાલન કરતો હતો. શીલરૂપ પાણીનો ક્ષીરસમુદ્ર હતો. સર્વત્ર પ્રસરેલી કીર્તિરૂપ નદી માટે કુલપર્વત સમાન હતો. તે શેઠનો દત્ત નામનો પુત્ર હતો. તેણે બાલ્યકાળમાં જ કલાસમૂહનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. તે સતત જ સ્વકુલને અનુરૂપ આચારોના પાલનમાં અત્યંત દઢ હતો, પિતાનો પરમ પ્રીતિપાત્ર હતો. કુલ માટે કલ્પવૃક્ષ સમાન થશે એમ લોકોએ તેના માટે સંભાવના કરી હતી. તે સર્વલોકની લોચન રૂપ ચકોર માટે ચંદ્રિકા સમાન શ્રેષ્ઠ યૌવનને પામ્યો. કોઇવાર નટડી તેની નજરમાં આવી. તેને નટડી ઉપર કષ્ટથી રોકી શકાય તેવો અને સર્પવિષના વિકારથી પણ અધિક રાગ થયો. તેથી તે નટડી વિના એક મુહૂર્ત પણ રહેવા અસમર્થ બન્યો. નટડીને નટ સમુદાયમાંથી બીજા સ્થળે લઈ જવાનું શક્ય ન બન્યું. આથી સઘળી કુળમર્યાદાઓને ઓળંગીને તે જ નટસમુદાયમાં રહીને નટડી સાથે તેણે લગ્ન કર્યા. (૧૦૧૪) ૧. કુલપર્વતમાંથી નદી નીકળે છે માટે અહીં કુલપર્વતની ઉપમા આપી છે.