________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૯૯ અથવા ભાવ અનુકંપાબુદ્ધિથી દાન આપવામાં કર્મબંધ ન થાય. ઘરે આવેલા સંન્યાસી વગેરેને દાન ન આપવામાં આવે તો સંભવ છે કે સંન્યાસીને અને લાગતા-વળગતા બીજાઓને એમ થાય કે આમનો ધર્મ કેવો કે જેથી ઘરે આવેલાને દાન પણ આપતા નથી. આ રીતે તે લોકો જૈનધર્મની નિંદા કરીને બોધિદુર્લભ બને. આમ તેમના પ્રત્યે ભાવાનુકંપા બુદ્ધિથી દાન કરવામાં કર્મબંધ ન થાય.
આવી (દ્રવ્યાનુકંપા, ઔચિત્ય કે ભાવ અનુકંપા) બુદ્ધિ વિના દ્રવ્યસાધુને દાન આપવાથી કર્મબંધરૂપ નુકશાન ન થાય. આ વિષે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દાન દ્વાર્નાિશિકામાં કહ્યું છે કે–“આ મારા આપેલા આહારાદિ લેનાર પરિવ્રાજક આદિના અસંયમ, મિથ્યાત્વ વગેરે રૂપ દોષોનું જ પોષણ થવાનું છે. એવું જાણીને પણ (અનુકંપાનો અવસર ન હોવાં છતાં ભક્તિથી) તે દોષ પોષણની ઉપેક્ષા કરીને આહારાદિનું દાન કરતો શ્રાવક ચંદનને બાળીને કોલસા પાડવાની કષ્ટમય આજીવિકા ઊભી કરવા જેવું કરે છે.” ચંદનનો ચંદન તરીકે જ વ્યાપાર કરનાર ચંદનના કોલસા પાડીને કોલસાનો વ્યાપાર કરનાર કરતા ઘણો સારો લાભ પામી શકે છે, અને કોલસા પાડતી વખતની ગરમી વગેરે કષ્ટમાંથી બચી શકે છે. સુપાત્રમાં દાન કરવા યોગ્ય સ્વસંપત્તિ એ ચંદન છે. કુપાત્રમાં એનું દાન એ કોલસા પાડવા જેવું છે. ભક્તિથી અપાતા દાનથી લાભને બદલે નુકશાન ન થઈ જાય એ માટે દાનવીર શ્રાવકે સ્વયં બુદ્ધિથી પાત્રની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષામાં પાસ થનાર પાત્ર સાધુ, શ્રાવક અને અવરિત સમ્યગ્દષ્ટિ એમ ત્રણ પ્રકારે છે.)
તથા મોક્ષ માટે કરાતા દાનને આશ્રયીને આ વિધિ કહ્યો છે. જિનેશ્વરોએ કયારેય અનુકંપાદાનનો નિષેધ કર્યો નથી.”
પ્રાસક (=અચિત્ત) અને એષણીય (=દોષોથી રહિત) આહાર વગેરેની પ્રાપ્તિ થતી હોય અને એથી સાધુઓના જીવનનો નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ (સચિત્ત કે બેંતાલીસ દોષોમાંથી કોઈપણ દોષથી દૂષિત) આહાર લેનાર અને આપનાર એ બંનેનું અહિત કરે. (કારણ કે લેનારને સંસારની વૃદ્ધિ થાય અને આપનારને અલ્પ આયુષ્યનો બંધ થાય.) પણ જ્યારે દુષ્કાળ કે બિમારી આદિ અવસ્થામાં પ્રાસુક અને એષણીય આહાર વગેરેની પ્રાપ્તિ ન થતી હોય અને એના કારણે સાધુઓના જીવનનો નિર્વાહ ન થતો હોય ત્યારે અશુદ્ધ પણ આહાર લેનાર અને આપનાર એ બંનેનું હિત કરે. જેવી રીતે દેશ-કાળ વગેરે વિચારીને રોગીની ચિકિત્સા કરે છે, તેમ શ્રાવક દેશ-કાળ વગેરે જોઈને સાધુને વહોરાવે. રોગીને કોઇક અવસ્થામાં જે પથ્ય હોય તે જ વસ્તુ અન્ય અવસ્થામાં અપથ્ય થાય. કોઈક અવસ્થામાં જે અપથ્ય હોય તે જ વસ્તુ અન્ય અવસ્થામાં પથ્ય થાય. તે રીતે પ્રસ્તુતમાં આગમને જાણનારો દુર્ભિક્ષ અને બિમારી વગેરે અવસ્થામાં અવસર પ્રમાણે ઘણા ગુણોના લાભની ઈચ્છાથી અપવાદથી અશુદ્ધ પણ દાન ગ્રહણ કરે અને શ્રાવક આપે તો દોષ માટે થતું નથી. (શ્રાદિ.ક. ગા-૧૭૫).