________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૬૩ પલાયન થતા કામદેવ રૂપી મોટા ભિલ્લના હાથમાંથી વરસી રહેલી બાણાવલીની જેમ પાસવૃક્ષોની પંક્તિ શોભે છે. પવિત્ર પુરુષના સંગથી મારો જે વિકાસ થાય તેવો વિકાસ શું બીજા કોઇ ઉપાયથી થાય? મારી એવી બુદ્ધિ થાઓ એમ સમજીને મલ્લિકા એકાએક કુસુમના સમૂહને છોડે છે. અર્થાત્ મોગરાને ઘણા ફૂલો વિકસે છે. તેમાં પણ હંમેશા જાતિ વૈરવાળા કેટલાક જીવો રહે છે તે તેના અતિશયથી દઢ ભાતૃભાવને પામ્યા છે. આ પ્રમાણે તેના (વનપાલના) વચનને સાંભળીને જેને ઘણો પ્રમોદનો ભર ઉલ્લસિત થયો છે એવો લલિતાંગ ભરતી જેમ સમુદ્રમાં ન સમાય તેમ શરીરમાં સમાતો નથી. પોતાના અંગ પર રહેલા સર્વવિભૂષણોથી વનપાલને કૃતાર્થ કરે છે તથા બીજા લોકો પણ પારિતોષિક અને ધનથી કૃતાર્થ કરે છે. દેશાંતરમાં હું જેમની પાસે જવા ઇચ્છતો હતો તે દેવ અહીં રહેલા મારી પાસે સ્વયં જ પધાર્યા. આ પ્રમાણે નવા વાદળના ગર્જારવ જેવી ગંભીર ઘોષણા મોટેથી કરીને રાજા એકાએક આસન ઉપરથી ઊભો થયો. જે દિશામાં ભુવનભૂષણ રહેલા છે તે દિશામાં કેટલાક પગલા આગળ જઇને ધીમેથી પૃથ્વી તલ ઉપર મસ્તક નમાવીને પ્રણામ કરે છે. પટુપટલના શબ્દપૂર્વક નગરમાં ઘોષણા કરાવે છે કે જિનેશ્વરના ચરણરૂપી કમળના વંદન માટે સર્વ નગરનો લોક તૈયાર થાય.
પછી રાજા થોડા પરિવાર સાથે જવા લાગ્યો તેટલામાં ઘણો મોટો પરિજન ભેગો થયો. પછી પત્નીની સાથે, પુત્રની સાથે, સ્વજન પરજનની સાથે, ભાઈની સાથે, મિત્રોની સાથે સામંત સૈન્ય પરિવારની સાથે રાજા તે વનમાં પહોંચ્યો. પોતે જેમ ઉત્તમ પુરુષોથી વીંટળાયેલો છે તેમ આ ઉદ્યાન પુન્નાગ વૃક્ષોથી વીંટળાયેલ છે, પોતે જેમ શોક વિનાનો (=અશોક) છે તેમ આ ઉદ્યાન અશોકવૃક્ષોથી યુક્ત છે. પછી અત્યંત હર્ષિત થયેલો રાજા તે ઉદ્યાનમાં પ્રવેશ્યો. રાજ્યની ચેષ્ટાને છોડીને, ચામર છત્રાદિના ત્યાગ પૂર્વક, પ્રબળ વિનયમાં તત્પર તીર્થંકરની નજીકની ભૂમિમાં પહોંચ્યો અને સિંહાસન ઉપર બીરાજમાન ભગવાનને જોયા, પ્રદક્ષિણા આપીને મહીતલ ઉપર મસ્તક નમાવીને નમસ્કાર કર્યો તથા આ પ્રમાણે સ્તવના કરી. હે અહંન્! ત્રિલોકના ભવ્યજીવોના રક્ષણ કરવામાં કિલ્લા સમાન વર્ણવાયેલ વ્રતવિધિથી તે પાપનો નાશ કર્યો છે. તું સેંકડો ચરિત્રથી સાધ્ય યશનો ત્યાગ કરનાર છે. ભવવનને બાળવા માટે સમર્થ એવા સધ્યાનરૂપી અગ્નિમાં સ્થાપન કરાયેલું છે ચિત્ત જેના વડે એવો લોક આપને નમસ્કાર કરતો અહીં જન્મનો નાશ કરનાર થાય છે. જેમ જગતના જાતિઅંધ જીવને શરદઋતુના ચંદ્રનું દર્શન અતિ આશ્ચર્યકારી લાગે તેમ મને આપનું દર્શન અતિ આશ્ચર્યકારી લાગે છે. આ પ્રમાણે જિનેશ્વરની સ્તવના કરીને લલિતાંગ રાજા પોતાના સ્થાને બેઠો ત્યારે જિનેશ્વરે અમૃતના વાદળ જેવી સારભૂત મધુરવાણીથી પ્રસ્તુતદેશના આપવાનું શરૂ કર્યું. (૧૬૦)