________________
૪૭૨
ઉપદેશપદ : ભાગ-૨ મસ્તકમાં રહેલી માળાઓથી સેવાતા છે ચરણકમળ જેના એવો તે નિયમા તીર્થંકર થશે. પછી ધન આપીને ઘણું સન્માન કરાયેલા નૈમિત્તિકો પોતાના સ્થાને ગયા. અને યોગ્ય સમયે પૃથ્વીમંડલની શોભા સમાન પુત્રનો જન્મ થયો ત્યારે સર્વનું પ્રિય થયું તેથી તેનું નામ પ્રિયંકર રાખવામાં આવ્યું. (૩૨૨)
અને તે ચંદ્રકાંતાનો જીવ તે જ નગરમાં સુમતિ નામના મંત્રીના ઘરે પવિત્ર ગુણવાળા પુત્ર રૂપે ઉત્પન્ન થયો. તેનું નામ મતિસાગર રખાયું. ક્રમથી તે યૌવનને પામ્યો. પછી બંને પણ મંત્રીપુત્ર અને રાજપુત્ર પ્રૌઢ પ્રેમવાળા થયા. કેટલોક કાળ વીત્યા પછી શ્રીષેણ રાજા દર્પણમાં મસ્તક જોતા સફેદવાળને જુએ છે. તત્ક્ષણ જ તે વિચારે છે કે પોતાનું પણ શરીર આ પ્રમાણે વિકારને પામે છે તો બીજું શું શાશ્વત હોય? તેથી આ સર્વ પાણીના પરપોટાની માફક જોતા જ નષ્ટ થનારું છે. મતિમાને આ શરીર ઉપર રાગ ન કરવો જોઇએ. તે આ પ્રમાણે
સંપત્તિઓમાં વિપત્તિઓ જીવતી જાગતી છે. અત્યંત દુઃખના સ્થાનનું બીજ એવું મૃત્યુ આશાઓના મૂળ એવા જીવિતમાં રહેલું છે. પ્રિયપુત્રપત્ની આદિનો સંગમ દુર્લભ છે અને વિયોગ પણ દુઃસહ છે. જરા યૌવનરૂપી લક્ષ્મીને જર્જરિત કરનારી છે. જેવી રીતે ગોવાળ ગાયોના ધણનું સંભાળ રાખવામાં આજીવિકા મેળવે છે તેમ પૃથ્વીનું પાલન કરતો રાજા લોકોના લાભમાં છઠ્ઠા અંશને મેળવે છે. હંમેશા નાશ પામનારા કાર્યના ચિંતનમાં દુઃખી થયેલો મૂઢ જીવ કિંકર જેવો હોવા છતાં પણ પોતાને સ્વામી માને છે. સ્વામીપણાના મદમાં ઉન્મત્ત થયેલો જીવ જે કંઇપણ કર્મને આચરે છે તેનાથી પોતાના આત્માને ક્લેશ પમાડી પાપ સ્થાનમાં નાખે છે. લુબ્ધ અને મુગ્ધ મનુષ્ય નિંદનીય કાર્યને અવગણીને ઘણા સ્નેહથી નિર્ભર પણ ભાઈ, પિતા તથા માતાને આકુળવ્યાકુળ કરે છે. જેમ કોઈપણ માણસ બીજાના કારણથી હાથ નાખીને ચુલ્લામાંથી અગ્નિને કાઢે છે, તો તે અવશ્ય બળે છે. તેમ આ જીવ પરિજનના નિમિત્તે વિવિધ પ્રકારના હિંસા વગેરે પાપોને કરતો નિશ્ચયથી પાપના ફળને પોતે જ ભોગવે છે. ભોગોને ધિક્કાર થાઓ અને ધનને પણ ધિક્કાર થાઓ, ઇંદ્રિયથી ઉત્પન્ન થયેલા સુખને ધિક્કાર થાઓ, પ્રિયના સંયોગને ધિક્કાર થાઓ, આ પરિજનને પણ ધિક્કાર થાઓ. કેમકે ઉપરમાં આસક્ત થયેલા પ્રમાદાચરણને પામેલા જીવો નરકાદિના ભયંકર દુઃખોને પામે છે. તેથી ભવથી વિરક્ત થયેલ મારે કુશળ આરંભ કરવો ઘટે છે. કેમકે મનુષ્યભવ અને સુકુલાદિનો સંયોગ દુર્લભ છે.
એટલામાં ઉદ્યાન પાલક મનુષ્ય જણાવ્યું કે, હે દેવ! તમારા ઉદ્યાનમાં શ્રીધરસૂરિ સમોવસર્યા છે. રોમાંચિત થયેલ શરીરવાળો રાજા આના વચનને સાંભળીને હર્ષિત થયેલ વિચારે છે કે, અહો! મારો પુણ્યોદય અપૂર્વ થયો કે મારી આવી વિચારણા ક્યાં! અને ક્યાં આ ગુણનિધિ